Last Updated on by Sampurna Samachar
રાજ્યના લગભગ ૮૦ ટકા ખેડૂતોને મળશે મફત વીજળી
દરરોજ ૧૨ કલાક વીજળી આપીશું
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ખેડૂતો માટે મહત્વની મોટી જાહેરાત કરી છે. જેના થકી ખેડૂતોને હવે ડિસેમ્બર ૨૦૨૬ સુધી રાજ્યના લગભગ ૮૦ ટકા ખેડૂતોને મફત વીજળી મળશે. ફડણવીસે વર્ધા જિલ્લાના આર્વીમાં આયોજિત એક જનસભાને સંબોધિત કરતાં કહ્યું કે, તેમની સરકારે ખેડૂતોને દિવસમાં ૧૨ કલાક વીજળી આપવાનો વાયદો કર્યો છે અને મુખ્યમંત્રીએ સૌર કૃષિ યોજના શરુ કરી છે. જે અંતર્ગત ૧૬૦૦૦ મેગાવોટ વીજળી ઉત્પાદન કરવાનું કામ ચાલી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે તેઓ વર્ધામાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ભૂમિ પૂજનના સમારોહમાં હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે, “મને આ જાહેરાત કરતાં ખુશી થઇ રહી છે કે ડિસેમ્બર ૨૦૨૬ના અંત સુધીમાં મહારાષ્ટ્રના લગભગ ૮૦ ટકા ખેડૂતોને મફત વીજળી મળશે. અમે વર્ષના બધા જ ૩૬૫ દિવસ દરરોજ ૧૨ કલાક વીજળી આપીશું. જેનાથી ખેડૂતોને મોટી રાહત મળશે.”
મફત વીજળી પૂરી પાડવામાં આવશે
રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૫ થી ૨૦૩૦ સુધીમાં દર વર્ષે વીજ ગ્રાહકોના બિલ ઘટાડવાની યોજના બનાવી છે. સાથે જ ૩૦૦ યુનિટ સુધી વીજ વપરાશ કરનારા મધ્યમ વર્ગના અને ગરીબ પરિવારોને સૌર ઉર્જા અંતર્ગત મફત વીજળી પૂરી પાડવામાં આવશે.
જણાવી દઈએ કે, બે દિવસ પહેલાં ખેડૂતો અને પ્રહાર જનશક્તિ પાર્ટી (PJP) ના કાર્યકર્તાઓએ પાર્ટી સંસ્થાપક અને પૂર્વ ધારાસભ્ય બચ્ચુ કડૂની કમાન હેઠળ કૃષિ લોન માફી અને કેટલીક અન્ય માંગોને લઈને મહારાષ્ટ્રના કૃષિ મંત્રી માણિકરાવ કોકાટેના ઘરની બહાર પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન મોડી રાત્રે ગંગાપુર રોડ વિસ્તારમાં કરવામાં આવ્યું હતું.
પ્રદર્શનકારીઓએ ખેડૂતો પાસેથી કથિત જબરદસ્તી લોન વસૂલી બંધ કરવાની માંગ પણ કરી હતી. સૂત્રોએ જણાવ્યું કે, પ્રદર્શનકારીઓએ પહેલા કોકાટેના ઘર સુધીમાં મશાલ રેલી કાઢી હતી. પરંતુ મંત્રી ઘરે ન હોવાના કારણે કડૂ અને પ્રદર્શનકારીઓએ ત્યાં સુધી ધારણા પર બેસવાનો ર્નિણય લીધો, જ્યાં સુધી તેમની માંગો પૂરી કરવા માટે મંત્રી તરફથી લેખિતમાં આશ્વાસન ન મળી જાય.
સૂત્રોએ જણાવ્યું કે, કૃષિ મંત્રી કોકાટેએ કડૂ સાથે ફોન પર વાત કરી હતી અને તેમને જણાવ્યું હતું કે તેઓ નાસિક શહેરથી લગભગ ૨૫ કિમી દૂર સિન્નરમાં છે અને તેમને આંદોલન પરત ખેંચવા માટે અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, તેમ છતાં કડૂ અને પ્રદર્શનકારીઓ કૃષિમંત્રી કોકાટેને મળવા માટે સિન્નર જવા માટે રવાના થયા હતા. જોકે, પોલીસે તેમને રસ્તામાં જ રોકીને જણાવ્યું હતું કે કૃષિ મંત્રી સિન્નરમાં નથી.