Last Updated on by Sampurna Samachar
ટૂંક સમયમાં નવી બેન્ચની રચના કરવામાં આવશે
આ કેસનો વહેલી તકે નિકાલ લાવવાની અપીલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતના ચીફ જસ્ટિસ બી. આર. ગવઈએ અલ્લાહાબાદ હાઇકોર્ટના જજ યશવંત વર્માની અરજી પરની સુનાવણીમાંથી પોતાને અલગ કરી દીધા છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેઓ આ કેસની સુનાવણી કરી શકશે નહીં.

સુપ્રીમ કોર્ટે અલ્લાહાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માની અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી છે, જોકે ચીફ જસ્ટિસ બીઆર ગવઈએ આ કેસની સુનાવણીથી પોતાને દૂર રાખ્યા છે. તેમણે કહ્યું કે, હું પણ જસ્ટિસ વર્માની પસંદગી કરનાર કોલેજિયમનો ભાગ હતો, તેથી મારા માટે આ કેસની સુનાવણી કરવી યોગ્ય રહેશે નહીં. આ માટે ટૂંક સમયમાં નવી બેન્ચની રચના કરવામાં આવશે. આ દરમિયાન જસ્ટિસ વર્માના વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટને આ કેસનો વહેલી તકે નિકાલ લાવવાની અપીલ કરી છે.
હું નિર્દોષ છું, મેં ક્યારેય આ રોકડ મારા ઘરમાં રાખી નથી
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં જસ્ટિસ વર્માએ તેમની વિરુદ્ધ તપાસ સમિતિના રિપોર્ટને રદ કરવાની માંગ કરી છે. ત્રણ ન્યાયાધીશોની તપાસ સમિતિએ જસ્ટિસ વર્માને તેમના ઘરમાંથી મળી આવેલા બળી ગયેલા રોકડના કેસમાં દોષિત ઠેરવ્યા છે.
જસ્ટિસ વર્માનું કહેવું છે કે તેમને પોતાનો બચાવ કરવાનો મોકો આપવામાં આવ્યો ન હતો. આ દરમિયાન, સંસદમાં જસ્ટિસ વર્મા સામે મહાભિયોગની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. પ્રિસાઇડિંગ ઑફિસરને સુપરત કરાયેલા મહાભિયોગ પ્રસ્તાવ પર ૧૪૫ લોકસભા અને ૬૩ રાજ્યસભા સાંસદોના હસ્તાક્ષર છે.
આ મામલાની તપાસ માટે તત્કાલીન CJI જસ્ટિસ સંજીવ ખન્નાએ ત્રણ ન્યાયાધીશોની આંતરિક તપાસ સમિતિની રચના કરી હતી. જેની તપાસમાં કેશ કૌભાંડ કેસમાં જસ્ટિસ વર્માને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને જસ્ટિસ વર્માને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ તેમણે તેમ ન કર્યું, ત્યારબાદ સરકારને તેમની સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની ભલામણ કરવામાં આવી હતી. જોકે, આ મામલે જસ્ટિસ વર્માએ કહ્યું કે, હું નિર્દોષ છું, મેં ક્યારેય આ રોકડ મારા ઘરમાં રાખી નથી. મને ફસાવવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. આ દરમિયાન જસ્ટિસ વર્માને દિલ્હી હાઇકોર્ટમાંથી હટાવીને અલ્લાહબાદ હાઇકોર્ટ મોકલવાનો પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો.