Last Updated on by Sampurna Samachar
@mail.gov.in નો ઉપયોગ કરવા માટે ફરજ પાડી
હજુ સુધી કોઇ ઇ-મેઇલ આઇડી હેક થઇ હોવાનો કોઇ રિપોર્ટ નહીં
(સંપૂર્ણ સમાચાર સેવા)
હાલમાં જ થોડા સમય પહેલાં દુનિયાભરના ૧૬ બિલિયન લોગિન અને પાસવર્ડ ડેટા લીક થયા હતા. આ જોતા ભારતની કેન્દ્ર સરકારે તેમના કર્મચારીઓને નવા ઈ- મેઈલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે કહ્યું છે. ભારતની સાઇબર સુરક્ષા એજન્સી CERT – IN દ્વારા જૂનમાં એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી. તેમાં ઘણાં પ્લેટફોર્મના ઓનલાઈન ડેટા લીક થયા હોવાનું જણાવવામાં આવ્યું હતું.

સરકાર હવે તેમના કર્મચારીઓ માટે નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર ઈમેઈલ ડોમેન અને પ્લેટફોર્મ @mail.gov.in નો ઉપયોગ કરવા માટે ફરજ પાડી રહી છે. સરકાર દ્વારા પહેલાં ઑફિશિયલ ઈમેઈલ માટે @nic.in ડોમેનનો ઉપયોગ કરવામાં આવતો હતો. જોકે ૨૦૨૩ના અંતમાં ચેન્નાઈની ઈન્ફોર્મેશન ટેકનોલોજી કંપની ઝોહોને સરકારની ઈ-મેઈલ સર્વિસ મેનેજ કરવાનો ટેન્ડર મળ્યો હતો. આથી ડેટા બ્રિચ બાદ સરકાર દ્વારા દરેક કર્મચારીને ઝોહોના નવા પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે. હવે દરેક ડિપાર્ટમેન્ટ એ પ્લેટફોર્મનો ઉપયોગ કરશે.
જૂનમાં CERT-In દ્વારા ઘણાં પ્લેટફોર્મના ડેટા લીક થયા
૧૬ બિલિયન લોગિન અને પાસવર્ડ ડેટા લીક થયા હોવા છતાં એક પણ સરકારી ઈમેઈલ આઇડી હેક થઈ હોવાનો કોઈ રિપોર્ટ આવ્યો નથી. જોકે સરકાર હવે કોઈ જોખમ લેવા માંગતી નથી, તેથી ઈ-મેઈલ ડોમેન અને સર્વિસ બદલી નાખવાનો ર્નિણય લીધો છે. જ્યારે ડેટા બ્રિચ થઈ રહ્યો હતો. ત્યારે સરકારે ડિફેન્સની ઈમેઈલ ID હેક કરવાની કોશિશનો સામનો કર્યો હતો. તેમ છતાં, સરકાર દ્વારા આ બંને ઘટનાની વચ્ચે કોઈ કનેક્શન નથી એવું સ્પષ્ટ કરાયું છે.
જૂનમાં CERT-In દ્વારા એપલ, ફેસબૂક, ગૂગલ, ટેલિગ્રામ, ગિટહબ અને VPN સર્વિસ જેવા ઘણાં પ્લેટફોર્મના ડેટા લીક થયા હોવાનું જણાવાયું હતું. આ ડેટામાં યુઝરનેમ, પાસવર્ડ, ઑથેન્ટિકેશન ટોકન્સ, સેશન કૂકીઝ અને મેટાડેટા જેવા વિવિધ રેકોર્ડ શામેલ હતા. એજન્સીએ દરેક વ્યક્તિને પાસવર્ડ બદલવા માટે સૂચના આપી હતી અને મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશન શરૂ કરવા માટે પણ જણાવ્યું હતું.
CERT-In દ્વારા દરેક સંસ્થાને જણાવાયું હતું કે તેઓ ઝોરી-ટ્રસ્ટ સિક્યોરિટી મોડલ અપનાવે. તેમ જ લોગઇન એક્ટિવિટીને મોનિટર કરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. એજન્સીએ એ પણ કહ્યું કે આ ડેટા ડાર્ક વેબ પર ઉપલબ્ધ છે, જેના આધારે કોઈ વ્યક્તિ કે કંપની પર સાઇબર અટેક થઈ શકે છે. સરકાર હવે સાઇબર સિક્યોરિટીને ખૂબ જ મહત્ત્વ આપી રહી છે.