Last Updated on by Sampurna Samachar
હવે અમેરિકાએ પણ ૫ શરતો મૂકી દીધી
શાંતિના રસ્તે આવી અડચણ !
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામને લઈને વાતો તો ઘણી થઈ રહી છે, પરંતુ વાત બની રહી નથી. સીઝફાયર માટે ઈરાને ૫ શરતો રાખી હતી, જેના જવાબમાં હવે અમેરિકાએ પણ ૫ શરતો મૂકી દીધી છે. ઈરાનથી દાવો થયો છે કે આ શરતો અમેરિકાએ ઈરાનના વાતચીતના પ્રસ્તાવના જવાબમાં રાખી છે.

અમેરિકાએ ઈરાન સામે શરત મૂકી છે કે તેણે પોતાનું એનરિચ્ડ યુરેનિયમ સોંપવું પડશે. તે આ યુદ્ધથી થયેલા નુકસાનની ભરપાઈ નહીં કરે અને ઈરાનની જપ્ત કરાયેલી સંપત્તિઓને પણ મુક્ત નહીં કરે. આ પહેલા ઈરાને ૫ શરતો રાખી હતી, જેમાં તેણે સંપત્તિઓને મુક્ત કરવા અને યુદ્ધ માટે વળતર માંગ્યું હતું.
અમેરિકાની ૫ શરતો
અમેરિકા કોઈપણ પ્રકારનું વળતર કે નુકસાન ભરપાઈ નહીં કરે
ઈરાને પોતાનું ૪૦૦ કિલો એનરિચ્ડ યુરેનિયમ અમેરિકાને સોંપવું પડશે
ઈરાનનું માત્ર એક જ પરમાણુ મથક એક્ટિવ રહેશે
ઈરાનની જપ્ત કરાયેલી સંપત્તિઓને મુક્ત કરવામાં આવશે નહીં
તમામ મોરચે યુદ્ધનો અંત લાવવા માટે વાતચીત કરવી પડશે
ઈરાનની ૫ શરતો
તમામ મોરચે યુદ્ધનો અંત આવવો જાેઈએ, ખાસ કરીને લેબનાનમાં
ઈરાન પર લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવવા પડશે
ઈરાનની જપ્ત કરાયેલી સંપત્તિઓને મુક્ત કરવી પડશે
યુદ્ધથી થયેલા નુકસાન માટે વળતર આપવું પડશે
હોર્મુઝ જળમાર્ગ પર ઈરાનના સાર્વભૌમત્વને માન્યતા આપવી પડશે
અમેરિકા અને ઈઝરાયેલે ૨૮ ફેબ્રુઆરીના રોજ ઈરાન પર હુમલો કર્યો હતો. ત્યારથી અત્યાર સુધી વિવાદ ચાલુ છે. યુદ્ધને ૩ મહિના થવા આવ્યા છે પરંતુ હજુ સુધી કોઈ વાત બની શકી નથી. અમેરિકા અને ઈરાન, બંને પોતાની જીદ પર અડેલા છે. ઈરાન પોતાની માંગણીઓ રાખે છે તો અમેરિકા પણ પોતાની શરતો ઉમેરી દે છે.
બંને વચ્ચે વાતચીત ભલે થઈ રહી હોય પરંતુ એકબીજા પર વિશ્વાસ કોઈ કરતું નથી.ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાઘેઈએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, ‘અમેરિકા અને ઈઝરાયેલની સરકારોએ ઈરાન વિરુદ્ધ કોઈપણ ઉશ્કેરણી વગર સૈન્ય હુમલા દ્વારા જાણીજાેઈને મહત્વપૂર્ણ માર્ગો પર અસુરક્ષા ઊભી કરી દીધી અને પછી ઈરાન પર અસ્થિરતા ફેલાવવાનો આરોપ લગાવી દીધો.‘