Last Updated on by Sampurna Samachar
૧૭ જિલ્લામાંથી ૧૦૦૮ શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોને પકડાયા
૧૪૮ બાંગ્લાદેશી નાગરિકોને બાંગ્લાદેશ મોકલાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ – કાશ્મીર પહેલગામના આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકારે દેશમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને પરત મોકલવા માટે એક ઝુંબેશ શરૂ કરી છે. જે અંતર્ગત, રાજસ્થાનના ૧૭ જિલ્લાઓમાંથી ૧૦૦૮ શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોને પકડવામાં આવ્યા છે. જેમાંથી, ફક્ત જયપુર રેન્જમાં જ ૭૬૧ બાંગ્લાદેશીઓ (BANGLADESH) છે.
સીકરમાં સૌથી વધુ ૩૯૪ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પકડાયા છે. દસ્તાવેજોની તપાસ કર્યા બાદ સીકરથી ૧૪૮ બાંગ્લાદેશી નાગરિકોનો પહેલો જથ્થો મોકલવામાં આવી રહ્યો છે. પહેલા તેમને જોધપુર લાવવામાં આવ્યા, પછી ત્યાંથી તેમને વિમાન દ્વારા પશ્ચિમ બંગાળ મોકલવામાં આવી રહ્યા છે.
જોધપુર એરબેઝ લાવવામાં આવ્યા
ત્યાં BSF તેમને બાંગ્લાદેશ મોકલી દેશે. પહેલગામ આતંકવાદી હુમલા પછી, કેન્દ્ર સરકારે દેશભરમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ કરીને તેમને દેશમાંથી હાંકી કાઢવા માટે એક અભિયાન શરૂ કર્યું છે, જે અંતર્ગત ૧૪૮ બાંગ્લાદેશી નાગરિકોને દેશનિકાલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જે અંતર્ગત આ તમામ બાંગ્લાદેશી રહેવાસીઓને જોધપુર એરબેઝ લાવવામાં આવ્યા હતા.
સરકારના આદેશ બાદ, જયપુર રેન્જ સહિત તમામ જિલ્લાઓમાં SP ની દેખરેખ હેઠળ ટેકનિકલ અને સાયબર સેલ ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમોએ બાંગ્લાદેશીઓને પકડ્યા છે. દસ્તાવેજો, કોલ ડિટેલ્સ અને ટ્રાન્ઝેક્શન ડિટેલ્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આને ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓના પ્રથમ જૂથના પ્રસ્થાન તરીકે જોવામાં આવી રહ્યું છે.