Last Updated on by Sampurna Samachar
ટેક્સી ડ્રાઇવરે સ્નેહાને દિલ્હીના સિગ્નેચર બ્રિજ પાસે ઉતારી હતી
મૃતદેહ પાસેથી સુસાઇડ નોટ પણ મળી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હી યુનિવર્સિટીના આત્મા રામ સનાતન ધર્મ કોલેજમાં અભ્યાસ કરતી ત્રિપુરાની ૧૯ વર્ષની વિદ્યાર્થીની સ્નેહા દેબનાથ છેલ્લા ૬ દિવસથી ગુમ હતી. હવે તેનો મૃતદેહ યમુના નદીમાંથી મળી આવ્યો છે. પોલીસને સુસાઈડ નોટ પણ મળી છે, જેમાં સિગ્નેચર બ્રિજ પરથી કૂદવાનો ઈરાદો દર્શાવ્યો હતો.

દિલ્હી પોલીસે ટેકનિકલ દેખરેખના માધ્યમથી દેબનાથની ગતિવિધિઓ વિશે માહિતી મેળવી અને તેનું છેલ્લું લોકેશન સિગ્નેચર બ્રિજ પાસે મળી આવ્યું હતું. એક સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે સ્નેહાએ છેલ્લે ૭ જુલાઈની સવારે તેના માતા-પિતા સાથે વાત કરી હતી. ત્યારબાદ પરિવાર સ્નેહા સાથે વાત કરી શક્યો નથી. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, સ્નેહાએ છેલ્લા ચાર મહિનાથી તેના બેંક ખાતામાંથી એક પણ પૈસો ઉપાડ્યો નથી અને અચાનક કોઈ પણ સામાન લીધા વિના ઘરની બહાર નીકળી ગઈ હતી.
મિત્રએ કહ્યુ , હુ તેને મળી નથી
૭ જુલાઈના રોજ સવારે ૫:૫૬ વાગ્યે સ્નેહાએ પોતાના પરિવારને કહ્યું હતું કે, હું મારી મિત્ર પિટુનિયા સાથે સરાઈ રોહિલા સ્ટેશન જઈ રહી છું. પરંતુ લગભગ ત્રણ કલાક પછી જ્યારે તેનો ફોન બંધ આવ્યો, તો પરિવારે પેટુનિયાનો સંપર્ક કર્યો. પિટુનિયાએ તેમને કહ્યું કે હું સ્નેહાને મળવા નથી ગઈ અને અમારી મુલાકાત નથી થઈ. આ સાંભળીને પરિવાર સ્તબ્ધ રહી ગયો.
ત્યારબાદ સ્નેહાના પરિવારે ટેક્સી ડ્રાઈવરને શોધ્યો, જેણે સ્નેહાને છોડી હતી. ડ્રાઈવરે જણાવ્યું કે, મેં સ્નેહાને દિલ્હીના સિગ્નેચર બ્રિજ પાસે ઉતારી હતી. પરંતુ આ વિસ્તારમાં CCTV કવરેજ બરાબર ન હોવાના કારણે દિલ્હી પોલીસ સ્નેહાની આગળની ગતિવિધિ ન જાણી શકી.
સ્નેહાના ગુમ થયા પછી દિલ્હી પોલીસ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સએ લગભગ સાત કિલોમીટરના દાયરામાં વિશાળ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, પરંતુ એક અઠવાડિયાની તલાશ પછી પણ કોઈ સુરાગ નહોતો મળ્યો. ત્યારબાદ રવિવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃત્યુ પહેલા ગુમ થયાની માહિતી મળતા જ ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી અને પોલીસને શક્ય તેટલી વહેલી તકે સ્નેહાને શોધવાનો નિર્દેશ આપ્યો હતો.
X પર તેમણે લખ્યું કે, ત્રિપુરાના સાબરૂમની રહેવાસી મિસ સ્નેહા દેબનાથનાદિલ્હીમાં ગુમ થવા અંગેની માહિતી મુખ્યમંત્રી કાર્યાલયને મળી છે. આ મામલે પોલીસને તાત્કાલિક જરૂરી નિર્દેશ આપી દેવામાં આવ્યા છે જેથી સમયસર અને યોગ્ય કાર્યવાહી કરી શકાય.