Last Updated on by Sampurna Samachar
અનધિકૃત લાઉડસ્પીકર લગાવવા બાબતે નોંધાઇ ફરિયાદ
CM દેવેન્દ્ર ફડણવીસે લાઉડસ્પીકર મામલે બનાવ્યો હતો નિયમ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં ધાર્મિક સ્થળો પર નિર્ધારિત ડેસિબલ મર્યાદામાં લાઉડસ્પીકર વગાડવાની વાત કરી હતી. જો આમ નહીં કરવામાં આવે તો પરવાનગી રદ કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી હતી. આ સૂચના બાદ અનેક નિવેદનો સામે આવ્યા છે. આ શ્રેણીમાં હવે ભાજપના નેતા અને પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ મુંબઈના માનખુર્દ ગોવંડીમાં ૭૨ મસ્જિદો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ મામલે ભાજપ નેતા કિરીટ સોમૈયાએ કહ્યું કે મેં ૫ એપ્રિલે ગોવંડીના શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ૭૨ મસ્જિદોમાં અનધિકૃત લાઉડસ્પીકર લગાવવામાં આવ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે આ લાઉડસ્પીકર (Loudspeaker) કોઈપણ કાયદાકીય પરવાનગી વિના લગાવવામાં આવ્યા છે, જે જાહેર સ્થળોએ અવાજ નિયંત્રણ સંબંધિત નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.
મુંબઈમાં આ સહન કરવામાં આવશે નહીં
પોલીસે પણ આ વાત સ્વીકારી છે અને અમે માંગણી કરી છે કે મસ્જિદોમાં ગેરકાયદે લાઉડસ્પીકર લગાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે. ગેરકાયદેસર રીતે લાઉડસ્પીકર વગાડવું, મુંબઈ હાઈકોર્ટના ર્નિણયનું પાલન નહીં કરવું, મુંબઈમાં આ સહન કરવામાં આવશે નહીં.
કિરીટ સોમૈયાએ આ મામલે એક RTI ની કોપી સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવતી મસ્જિદોના નામ આપવામાં આવ્યા છે. આ સિવાય તેણે લખ્યું છે કે દરરોજ જોરથી હોર્ન ફૂંકાય છે. કોઈ મસ્જિદે લાઉડસ્પીકર/હોર્ન માટે પરવાનગી લીધી નથી. અમે શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેની હવે કાર્યવાહી કરવામાં આવશે.
મહત્વનું છે કે, ભાજપના નેતા સોમૈયા છેલ્લા ઘણા મહિનાઓથી આ મામલાને લઈને સક્રિય છે અને તેને જોરશોરથી ઉઠાવી રહ્યા છે. આ પહેલા પણ તેઓ મુંબઈના ઘણા ભાગોમાં આવી જ ફરિયાદો નોંધાવી ચૂક્યા છે અને સંબંધિત પ્રશાસન પાસેથી કડક પગલાં લેવાની સતત માંગણી કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે સોમૈયાની ફરિયાદ પર પોલીસ આગળ શું કાર્યવાહી કરે છે.