Last Updated on by Sampurna Samachar
આ સામાન્ય ભિક્ષુક નહીં પણ ISRO ના એક નિવૃત્ત અધિકારી
પોતાની ID , આધારકાર્ડ અને પૈસાની બેગ ચોરાતાં માંગવી પડી ભીખ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સાંઈનગર શિરડીમાં ભીખારીઓ સામેની ઝુંબેશ દરમ્યાન અંગ્રેજીમાં ભીખ માંગતા એક શખ્સને તાબામાં લેવામાં આવતા તેણે દાવો કર્યો હતો કે તે ઈસરોનો નિવૃત્ત અધિકારી છે. સાંઈબાબાના દર્શને આવતી વખતે નાસિકમાં આઈકાર્ડ, આધારકાર્ડ અને પૈસા સાથેની આખી બેગ ચોરાઈ જવાને કારણે તેમણે પૈસા માંગવાનો વારો આવ્યો હતો.
શિરડી પોલીસ, નગર પરિષદ અને સાઈ સંસ્થાન તરફથી બે દિવસ પહેલાં ભીખારીઓને પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી ત્યારે કડકડાટ ઈંગ્લિશ બોલતા કે.એસ. નારાયણ નામના શખસને પણ પકડવામાં આવ્યા હતા.
પૈસા પૂરા થઇ જતા ભીખ માંગવી પડી
પૂછપરછમાં તેમણે દાવો કર્યો હતો કે, તે કેરળના નિવાસી છે અને થોડા વખત પહેલાં જ ‘ઈસરો‘ના અધિકારી તરીકે નિવૃત્ત થયા છે. તેમનો પુત્ર યુ.કે.માં અભ્યાસ કરે છે. એમ.કોમ. થયેલા નારાયણે આપવિતી જણાવી હતી કે, ‘હું આઠ દિવસ પહેલા નાસિક ગયો હતો. ત્યારે મારી બેગ, પૈસા અને આઈકાર્ડ ચોરાઈ ગયા. એ પછી હું ચાર-પાંચ દિવસ માટે શિરડી આવ્યો. મારી પાસે જે પણ પૈસા હતા તે પૂરા થઇ ગયા હોવાથી હું ભક્તો પાસે ભીખ માંગીને જીવતો હતો.
આજે પોલીસે ભિખારીઓને પકડવાના અભિયાનમાં મારી ધરપકડ કરી હતી.‘ આશ્ચર્યની વાત એ છે કે કે.એસ. નારાયણે પોલીસને જણાવ્યું હતું કે ‘ઈસરો‘ના PSSV , GSAV અને ચંદ્રયાન મિશન વખતે તેઓ ‘ઈસરો‘માં ફરજ બજાવતા હતા.