Last Updated on by Sampurna Samachar
ગત વર્ષે ૪૯, ૫૫૬ વિદેશી શ્રદ્ધાળુઓએ ચારધામના દર્શન કર્યા હતાં
૩૦ એપ્રિલથી શરૂ થશે યાત્રા
(સંપૂર્ણ સમાચાર સેવા)
હિન્દુઓ માટે અત્યંત મહત્ત્વની ગણાતી ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યા છે. જેના માટે ભારત જ નહીં પણ વિદેશોના શ્રદ્ધાળુઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યાં ચારધામ યાત્રા માટે અમેરિકામાંથી સૌથી વધુ ૩૨૦૦ શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. બીજા નંબર પર નેપાળના આશરે ૧૮૦૦ શ્રદ્ધાળુઓ જ્યારે ત્રીજા ક્રમે મલેશિયામાંથી ૧૪૦૦ શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગતવર્ષે ૪૯, ૫૫૬ વિદેશી શ્રદ્ધાળુઓએ ચારધામના દર્શન કર્યા હતાં.
ઉત્તરાખંડમાં ૩૦ એપ્રિલથી શરૂ થનારી ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન ૨૦ માર્ચથી શરૂ થઈ ચૂક્યા છે. ઉત્તરાખંડ પર્યટન વિકાસ પરિષદે ચારધામ યાત્રા-૨૦૨૫માં શ્રદ્ધાળુઓની સુવિધા અને સુરક્ષા માટે ૨૦ માર્ચથી ઓનલાઈન આધાર તથા પાસપોર્ટ આધારિત રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી હતી. જેથી મર્યાદિત સંખ્યા સાથે શ્રદ્ધાળુઓ સુવિધાજનક દર્શનનો લ્હાવો લઈ શકે.
રજીસ્ટ્રેશન વિના યાત્રામાં સામેલ ન થવુ
ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ૩૦ એપ્રિલથી ખુલ્લા મુકાશે. જ્યારે ૨ મે, ૨૦૨૫ના રોજ કેદારનાથ અને ૪ મેના રોજ બદ્રીનાથ ધામના કપાટ ખુલશે. આ સાથે ચારધામ યાત્રા પૂર્ણ સ્વરૂપે શરૂ થશે. અંતે ૨૫ મેના રોજ હેમકુંડ સાહિબના કપાટ ખુલશે. ઉત્તરાખંડ પર્યટન વિકાસ પરિષદના જોઈન્ટ ડિરેક્ટર અને ચારધામ યાત્રાના નોડલ ઓફિસર યોગેન્દ્ર ગંગવારે શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે, તેઓ રજિસ્ટ્રેશન કરાવ્યા વિના ચારધામ યાત્રામાં સામેલ ન થાય.