Last Updated on by Sampurna Samachar
કંપનીમાં અનેક કામ ઓટોમેશન અને AI સિસ્ટમ દ્વારા થઇ રહ્યા છે
ભારતીય હોમ ઇન્ટીરિયર પ્લેટફોર્મ કરી છટણી
(સંપૂર્ણ સમાચાર સેવા)
AI ને કારણે વર્ષ ૨૦૨૫માં વૈશ્વિક ધોરણે ૫૫, ૦૦૦ થી વધુ કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી. એમેઝોન, માઈક્રોસોફ્ટ, યુપીએસ, પિન્ટરેસ્ટ, આઈબીએમ, મેટા, ઈન્ટેલ જેવી કંપનીઓએ સ્ટાફમાં ઘટાડો કર્યો છે. હવે, આ લિસ્ટમાં ભારતીય હોમ ઇન્ટીરિયર પ્લેટફોર્મ લિવસ્પેસ જોડાઈ ગયું છે. તેમણે AI અપનાવીને લગભગ ૧૦૦૦ કર્મચારીઓની છટણી કરી છે. કંપનીના કો-ફાઉન્ડર સૌરભ જૈને પણ પદ છોડયું છે.

લિવસ્પેસમાં છેલ્લા છ મહિનાથી તબક્કાવાર રીતે છટણી કરવામાં આવી છે. જેમાં, ડિઝાઇન, સેલ્સ, ઓપરેશન્સ અને માર્કેટિંગ સહિતના અનેક વિભાગોને અસર થઈ છે. છટણી પહેલાં લિવસ્પેસમાં અંદાજે ૭૦૦૦ થી ૮૦૦૦ કર્મચારીઓ કાર્યરત હતા.
૨૦૨૫ના નાણાકીય વર્ષમાં આવક રૂપિયા ૧૪૬૦ કરોડ રહી
કંપનીના જણાવ્યા અનુસાર, કંપનીમાં છટણીનું પગલું ખર્ચ ઘટાડા માટે નહીં પરંતુ કંપનીના લાંબા ગાળાના વિકાસ અને કાર્યક્ષમતા વધારવા માટે લેવામાં આવ્યું છે. લિવસ્પેસમાં અનેક કામ ઓટોમેશન અને AI સિસ્ટમ દ્વારા કરવામાં આવી રહ્યા છે. AI ના ઉપયોગથી કંપનીમાં ડિઝાઈન આધારિત ૩-ડી વિઝયુલાઈઝેશનનો સમય બચી રહ્યો છે, સેલ્સમાં વોઈસ બોટની સાથે ઓટોમેટેડ લીડ મેનેજમેન્ટનો ઉપયોગ, ઓપરેશન્સમાં પ્રોજેક્ટ ટ્રેકિંગ અને સપ્લાય ચેઇન માટે પ્રિડિક્ટિવ AI નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
કંપનીએ જણાવ્યું કે નવા મોડલથી ગ્રાહકોને વધુ ઝડપી અને ગુણવત્તાસભર સેવાઓ આપવામાં મદદ મળશે. લિવસ્પેસની છટણી વચ્ચે તેના નાણાકીય પરિણામોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. ૨૦૨૫ના નાણાકીય વર્ષમાં કંપનીની આવક રૂપિયા ૧૪૬૦ કરોડ રહી હતી. જે કંપની નફા તરફ વધી રહી હોવાનું જણાવે છે. જાણકારોના મતે, લિવસ્પેસનો ર્નિણય વૈશ્વિક સ્તરે વધી રહેલા ટ્રેન્ડનો હિસ્સો છે. જેમાં, કંપનીઓ કાર્યક્ષમતા વધારવા માટે AI અને ઓટોમેશનનો ઉપયોગ કરી રહી છે.