Last Updated on by Sampurna Samachar
ચાર આતંકવાદી દોષિત સાબિત થયા
ત્રણ આરોપીઓને ફાંસીની સજા અપાઇ હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
૨૦૦૮ જયપુર સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં સ્પેશિયલ કોર્ટે ચાર આરોપીઓને દોષિત જાહેર કર્યા બાદ આજીવન કારાવાસની સજા ફટકારી છે. સ્પેશિયલ કોર્ટે આ ચારેય આરોપીઓને દોષિત ઠેરવ્યા હતાં. આ ચારેય આરોપી લાઈવ બોમ્બ (BOMB) કેસમાં સંડોવાયેલા હતાં.
સ્પેશિયલ કોર્ટના જજ રમેશ કુમાર જોષીએ સૈફુરહમાન, મોહમ્મદ સૈફ, મોહમ્મદ સરવર આઝમી, અને શાહબાઝ અહમદને જયપુરમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આજીવન કારાવાસની સજા ફટકારી છે. સ્પેશિયલ કોર્ટે જયપુર બોમ્બ બ્લાસ્ટમાં મળી આવેલા લાઈવ બોમ્બ કેસમાં આ ચારેયને આજીવન કારાવાસની સજા ફટકારી છે.
૨૦૦૮ માં એક પછી એક આઠ બોમ્બ ધડાકા થયા હતા
બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી કે, આરોપી ૧૫ વર્ષથી જેલમાં છે. જેમાંથી ત્રણને આઠ કેસોમાં નિર્દોષ જાહેર કરાયા હતા. સ્પેશિયલ કોર્ટે આ દલીલોને ફગાવતા મહત્તમ સજા ફટકારવાનો ર્નિણય લીધો હતો.
જયપુરમાં ૧૩ મે, ૨૦૦૮ ના રોજ એક પછી એક આઠ બોમ્બ ધડાકા થયા હતા. જેમાં એક લાઈવ બોમ્બ ચાંદપોલ બજારમાં આવેલા મંદિર નજીકથી મળી આવ્યો હતો. જેને બાદમાં ડિફ્યુઝ કરવામાં આવ્યો હતો. આ ચારેય આરોપીમાંથી શાહબાઝ સિવાય ત્રણને જયપુર બોમ્બ બ્લાસ્ટ સંબંધિત અન્ય આઠ કેસોમાં ફાંસીની સજા આપવામાં આવી હતી. પરંતુ માર્ચ, ૨૦૨૩માં પુરાવાના અભાવે રાજસ્થાન હાઈકોર્ટે તમામ આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતાં. સરકારે સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી કરી હતી. જેનો કેસ હજુ પેન્ડિંગ છે.