Last Updated on by Sampurna Samachar
રૂ. ૫૭૧ કરોડના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર કર્યો
આપના ધારાસભ્ય કપિલ મિશ્રાએ આ કૌભાંડની ફરિયાદ નોંધાવી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
આમ આદમી પાર્ટીને અવાર નવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે હવે દિલ્હીની પૂર્વ સરકારના રાજમાં PWD ના મંત્રી રહી ચૂકેલા આપ નેતા સત્યેન્દર જૈન વિરૂદ્ધ રૂ. ૫૭૧ કરોડના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ મૂકાયો છે. આ મામલે એસીબી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે.

દિલ્હી સરકારે ફટકાર્યો હતો દંડ
૨૩ ઓગસ્ટ, ૨૦૧૯ના મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યું હતું કે, સીસીટીવી કેમેરા લગાવવામાં વિલંબ થતાં દિલ્હી સરકારે ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ. પર રૂ. ૧૬ કરોડનો દંડ ફટકાર્યો હતો. જોકે, ફરિયાદ અનુસાર, જૈને રૂ. ૧૬ કરોડનો દંડ માફ કરવા ઉપરાંત વધુ ૧.૪ લાખ કેમેરા લગાવવા માટે કંપની સાથે સમાધાન કર્યું હતું. કંપનીને આ રાહત આપવા માટે જૈને રૂ. ૭ કરોડની લાંચ લીધી હોવાનો દાવો છે.
સેન્ટ્રલ વિજિલન્સ કમિશન દ્વારા ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ જારી કરવામાં આવેલા રિપોર્ટમાં પીડબ્લ્યૂડી દ્વારા દિલ્હીની સરકારી સ્કૂલોના બાંધકામમાં ગેરરીતિઓ થઈ હોવાનો ખુલાસો થયો હતો. જુલાઈ, ૨૦૧૯માં ભાજપના નેતા હરીશ ખુરાના અને તે સમયે આપના બળવાખોર ધારાસભ્ય કપિલ મિશ્રાએ આ કૌભાંડની ફરિયાદ નોંધાવી હતી.
એસીબીના રિપોર્ટ અનુસાર, દિલ્હીમાં સરકારી શાળાઓના ક્લાસરૂમ અને બિલ્ડિંગના બાંધકામ પાછળ રૂ. ૨૦૦૦ કરોડનું કૌભાંડ થયુ હતું. જેમાં ૧૨૭૪૮ ક્લાસરૂમના બાંધકામ માટે રૂ. ૮૮૦૦ પ્રતિ ચો.ફૂટના દરે સરકાર પાસેથી કિંમત વસૂલવામાં આવી હતી. જ્યારે સામાન્ય રીતે સરેરાશ બાંધકામ ખર્ચ ચો.ફૂટ દીઠ રૂ. ૧૫૦૦ હતી.