Last Updated on by Sampurna Samachar
બોટાદનો રહેવાસી હોવાનું સામે આવ્યું
પોલીસે મૃતકના પરિવારને જાણ કરી કાર્યવાહી હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમરેલી જિલ્લાના ધારી પંથકમાંથી પ્રવાસન અને ધાર્મિક સ્થળે સર્જાયેલી એક અત્યંત દૂખદ ઘટના સામે આવી છે. ધારી પાસે આવેલા પ્રખ્યાત ખોડિયાર ડેમ નજીકના ઘૂનામાં નાહવા પડેલો ૨૮ વર્ષનો એક આશાસ્પદ યુવાન અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. પાણીના પ્રવાહ અને ઊંડાણનો અંદાજ ન આવવાને કારણે યુવાન ડૂબવા લાગ્યો હતો, જેને બચાવવા માટે સ્થાનિક સ્તરે બૂમાબૂમ થઈ ગઈ હતી. મૃતક યુવાનની ઓળખ હરપાલભાઇ શિવકુભાઈ ખાચર તરીકે થઈ છે અને તે બોટાદનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ હરપાલભાઈ ધારી ખોડિયાર ડેમ ખાતે દર્શનાર્થે અથવા ફરવા માટે આવ્યા હતા. તે દરમિયાન ડેમ પાસે આવેલા જાણીતા ઘૂનાના પાણીમાં તેઓ નાહવા માટે પડ્યા હતા. નાહતી વખતે અચાનક પગ લપસતાં કે ઊંડા પાણીમાં ખેંચાઈ જતાં તેઓ ડૂબી ગયા હતા.
પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
આ અકસ્માતની જાણ વાયુવેગે પ્રસરતાં જ ખોડિયાર ડેમ ખાતે સ્થાનિક લોકો અને મુલાકાતીઓના મોટી સંખ્યામાં ટોળેટોળા ઉમટી પડ્યા હતા.માહિતી મળતાં જ ધારી પોલીસ સ્ટેશનનો કાફલો અને ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવાન હરપાલભાઈના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
પોલીસે ૧૦૮ મારફતે મૃતક યુવાનની ડેડ બોડીને પોસ્ટમોર્ટમ ની વિધિ માટે ધારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી છે. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી બોટાદ ખાતે રહેતા યુવાનના પરિવારજનોને કાળજા કંપાવનારા સમાચાર આપવા સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.