Last Updated on by Sampurna Samachar
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે આપી માહિતી
દેશમાં જંગલ વિસ્તાર વધતો હોવાના રિપોર્ટમાં દાવો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશમાં જંગલો કાપીને વિકાસકાર્ય માટે અપાતી મંજુરીને લઇ લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતું કે દેશમાં છેલ્લા દસ વર્ષમાં વિવિધ રાજ્યોમાં કુલ ૧,૭૩૪ ચોરસ કિ.મી. જંગલો કાપીને ડેવલપમેન્ટ એટલે કે ‘વિકાસ’ની મંજૂરી અપાઈ છે. તેમજ ૨૦૧૪-૧૫ અને ૨૦૨૩-૨૪ વચ્ચે વનનિયમ અધિનિયમ ૧૯૮૦ હેઠળ માળખાગત વિકાસ માટે ૧.૭૩ લાખ હેક્ટર વન-જંગલોની જમીન પર વિકાસની મંજૂરી અપાઈ હતી.
દેશમાં સૌથી વધુ ૭૭,૦૭૩ ચોરસ કિલોમીટર વન વિસ્તાર મધ્ય પ્રદેશમાં છે, જ્યાં દેશમાં સૌથી વઘુ ૩૫૮.૫૨ ચોરસ કિલોમીટર જંગલ જમીન હેતુ ફેર કરાઈ છે. એવી જ રીતે, ગુજરાતમાં ૯૯.૮૫ ચોરસ કિ.મી., ઓડિશામાં લગભગ ૨૪૪ ચોરસ કિ.મી., તેલંગાણામાં ૧૧૪.૨૨ ચોરસ કિ.મી. અને અરુણાચલ પ્રદેશમાં ૯૪.૯૫ ચોરસ કિ.મી. જંગલ જમીન હેતુ ફેર કરાઈ છે.
સૌથી ઓછા જંગલો ધરાવતુ રાજ્ય રાજસ્થાન
એટલું જ નહીં, આ ૧૦ વર્ષમાં સૌથી ઓછા જંગલો ધરાવતા રાજસ્થાનમાં પણ ૮૭.૯૬ ચોરસ કિ.મી. જંગલ વિસ્તાર હેતુફેર કરાયો છે , તો મહારાષ્ટ્રમાં ૮૫ ચોરસ કિ.મી., ઝારખંડમાં ૮૩.૫૩ ચોરસ કિ.મી., છત્તીસગઢમાં ૭૯.૨૫ ચોરસ કિ.મી. અને ઉત્તર પ્રદેશમાં ૭૦.૫૯ ચોરસ કિ.મી. વન-જંગલ વિસ્તાર હેતુ ફેર કરી દેવાયો છે.
આશ્ચર્યની વાત તો એ છે કે, દર બે વર્ષે જાહેર કરાતા ઈન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ પ્રમાણે દેશમાં ફોરેસ્ટ કવર એટલે જંગલ વિસ્તાર વધી રહ્યો છે. આ રિપોર્ટ પ્રમાણે, દેશમાં ૨૦૧૩માં ૬.૯૮ લાખ ચોરસ કિ.મી. જંગલ વિસ્તાર હતો, જે ૨૦૨૩માં વધીને ૭.૧૫ ચોરસ કિ.મી. થઈ ગયો છે.