Last Updated on by Sampurna Samachar
ઈરાન દ્વારા ખામેનેઈની દફનવિધિ કરાઈ નથી
એવું માનવામાં આવે છે કે ઈરાની અધિકારીઓ મોટા જાહેર કાર્યક્રમ સાથે જોડાયેલા જોખમોનું આંકલન કરી રહ્યા છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈનું ઈઝરાયલ-અમેરિકાના સંયુક્ત હુમલામાં મોત થયું હતું, પરંતુ તેમના શરીરને ઈરાન તરફથી અત્યાર સુધી અંતિમ વિદાય આપવામાં આવી નથી. ઘણા અઠવાડિયા વીતી ગયા હોવા છતાં ઈરાની અધિકારીઓએ તેમની અંતિમવિધિ અંગે ર્નિણય લીધો નથી.

ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના મોતના ઘણા અઠવાડિયા પછી પણ તેમને સુપુર્દ-એ-ખાક કરવા અંગે ર્નિણય લઈ શકાયો નથી. ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ મુજબ અધિકારીઓ આ માટે સુરક્ષા કારણો અને લોજિસ્ટિક પડકારોનો હવાલો આપી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે ઈરાની અધિકારીઓ મોટા જાહેર કાર્યક્રમ સાથે જોડાયેલા જોખમોનું આંકલન કરી રહ્યા છે, તેની સાથે સંભવિત ઈઝરાયલ હુમલાના ભય અને જનસભા દરમિયાન અશાંતિની શક્યતાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ખામેનેઈને અંતિમ વિદાય આપવામાં આવી નથી
ફાઉન્ડેશન ફોર ડિફેન્સ ઓફ ડેમોક્રસીઝના બેહનમ તાલેબ્લુએ જણાવ્યું કે વર્તમાન પરિસ્થિતિમાં સરકાર આ પ્રક્રિયાને આગળ વધારવામાં ખચકાઈ રહી છે. તેમણે સંઘર્ષ વચ્ચે તેહરાન સામે રહેલી અનેક નબળાઈઓ તરફ ઈશારો કરતા કહ્યું, સીધા શબ્દોમાં કહીએ તો, શાસન એટલું ડરેલું અને એટલું નબળું છે કે જોખમ લેવાની હિંમત કરી શકતું નથી.
જણાવી દઈએ કે, ૮૬ વર્ષીય આયતુલ્લા અલી ખામેનેઈ ૨૮ ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત હવાઈ હુમલામાં માર્યા ગયા હતા, જેનાથી ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ વધુ ભડક્યો હતો. આ ઘટના પછી અત્યાર સુધી ખામેનેઈને અંતિમ વિદાય આપવામાં આવી નથી.
૧૯૮૯માં જ્યારે આયાતુલ્લા રૂહોલ્લાહ ખુમૈનીનું નિધન થયું હતું, ત્યારે તેમના માટે ભવ્ય સ્ટેટ ફ્યુનરલ યોજાયું હતું, જેમાં તે સમયે તેહરાનમાં લાખો લોકો એકઠા થયા હતા. નિષ્ણાતોનું કહેવું છે કે ખામેનેઈના મૃત્યુ પછી તેવા દ્રશ્યો અત્યાર સુધી જોવા મળ્યા નથી. હવાઈ હુમલા અને અસ્થિર પરિસ્થિતિના કારણે મોટા પાયે શોક વ્યક્ત કરવાની સ્થિતિ બની શકી નથી. બીજી તરફ, તાલેબ્લુએ એમ પણ કહ્યું કે સરકારને આંતરિક અસંતોષ અને સૂચનાના નિયંત્રણ અંગે ચિંતા છે.
રિપોર્ટ મુજબ ઈરાની અધિકારીઓ મશહદને ખામેનેઈના અંતિમ કાર્યક્રમ માટે સંભવિત સ્થળ તરીકે વિચારી રહ્યા છે. માનવામાં આવે છે કે અહીં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી પણ સરળ રહેશે. ઈરાની સરકારી મીડિયા અનુસાર, ૪ માર્ચથી શરૂ થનારી ત્રણ દિવસીય સ્ટેટ ફ્યુનરલની શરૂઆતની યોજના રદ કરવામાં આવી હતી, કારણ કે અમેરિકા અને ઈઝરાયલ મોટા પાયે હુમલા કરતાં હતા. બાદમાં અધિકારીઓએ વિલંબનું એક કારણ અત્યંત ભીડની અપેક્ષા પણ જણાવી હતી, પરંતુ અત્યાર સુધી આ માટે કોઈ નવી તારીખ નક્કી કરવામાં આવી નથી.