અમેરિકા અને ઈરાન વચ્ચે થઇ શકે છે શાંતિ કરાર

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ટ્રમ્પે ઈઝરાયલના PM બેન્જામિન નેતન્યાહૂ પ્રત્યે રોષ ઠાલવ્યો

સ્વિટ્ઝરલેન્ડમાં ઐતિહાસિક શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર થશે

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો તણાવ હવે અંત તરફ આગળ વધી રહ્યો હોય તેવા સંકેતો મળી રહ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે આ અંગે એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે બંને દેશો આગામી ૧૯ જૂનના રોજ સ્વિટ્ઝરલેન્ડના જિનેવા ખાતે એક ઐતિહાસિક શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કરશે.

જોકે, આ ડીલની જાહેરાત કરવાની સાથે જ ટ્રમ્પે ઈઝરાયલના PM બેન્જામિન નેતન્યાહૂ પર આકરા પ્રહારો કર્યા છે. ટ્રમ્પે નેતન્યાહૂને અત્યંત અડિયલ વલણ ધરાવતા નેતા ગણાવ્યા છે અને કહ્યું છે કે અમેરિકા તરફથી ઈઝરાયલને જે પણ મદદ મળી રહી છે તેના માટે તેમણે આભારી રહેવું જોઈએ.

ટ્રમ્પે ઈરાનને પણ કડક શબ્દોમાં ચેતવણી આપી છે

ડોનાલ્ડ ટ્રમ્પે એક ઇન્ટરવ્યૂમાં ઈઝરાયલના PM બેન્જામિન નેતન્યાહૂ પ્રત્યે પોતાનો ભારે આક્રોશ ઠાલવ્યો હતો. ટ્રમ્પે દાવો કર્યો હતો કે જ્યારે અમેરિકા અને ઈરાન શાંતિ સમજૂતીની ખૂબ નજીક હતા, ત્યારે જ ઈઝરાયલે લેબેનોનની રાજધાની બેરૂત પર એરસ્ટ્રાઈક કરી દીધી હતી, જેના લીધે આ આખી ડીલ ‘લગભગ પાટા પરથી ઉતરી‘ ગઈ હતી.

નેતન્યાહૂના અડિયલ વલણ પર નારાજગી વ્યક્ત કરતા ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘તેઓ અડિયલ માણસ છે, પણ વાસ્તવિકતા એ છે કે અમેરિકા જે કંઈ કરી રહ્યું છે તેના માટે નેતન્યાહૂએ અમારા ખૂબ આભારી રહેવું જોઈએ. તેમણે ચેતવણી આપતા એમ પણ કહ્યું કે, જો ઈરાન પરમાણુ હથિયાર બનાવી લેશે તો ઈઝરાયલ તેની સામે બે કલાક પણ ટકી શકશે નહીં. ટ્રમ્પના મતે, અમેરિકા અત્યારે જે શાંતિ સમજૂતી કરી રહ્યું છે તે આખરે ઈઝરાયલના જ હિતમાં છે.

આ નવી શાંતિ સમજૂતી હેઠળ અમેરિકા અને ઈરાન પોતપોતાના તમામ સૈન્ય અભિયાનો રોકવા માટે તૈયાર થયા છે. આ શરતના ભાગરૂપે ઈઝરાયલે પણ લેબેનોનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ ચાલી રહેલી તેની સૈન્ય કાર્યવાહી બંધ કરવી પડશે. જોકે, ઈઝરાયલ આ ર્નિણયથી જરાય ખુશ નથી, જેના કારણે આવનારા દિવસોમાં આ યુદ્ધવિરામ ગમે ત્યારે તૂટી જવાનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે.

ભૂતકાળમાં પણ જ્યારે અમેરિકા અને ઈરાન આવી જ એક ડીલની ખૂબ નજીક પહોંચ્યા હતા, ત્યારે જ નેતન્યાહૂની સેનાએ લેબેનોનમાં ઘૂસીને એક મોટો હુમલો કરી દીધો હતો. તે સમયે આ હુમલાથી ઈરાન ભારે ગુસ્સે ભરાયું હતું અને તેણે સમજૂતી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. હવે અમેરિકન પ્રમુખ ટ્રમ્પને ફરી એકવાર એ જ વાતનો ડર સતાવી રહ્યો છે કે ઈઝરાયલના કારણે આ શાંતિ કરાર ફરીથી અધવચ્ચે જ ન અટકી પડે.

શાંતિ સમજૂતીની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને પણ કડક શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો તેહરાનનું નેતૃત્વ નિર્ધારિત સમય મર્યાદામાં અમેરિકા સાથે અંતિમ પરમાણુ કરાર સુધી પહોંચવામાં નિષ્ફળ રહેશે, તો અમેરિકન સેના ઈરાન પર ફરીથી હુમલા શરૂ કરી દેશે.

બીજી તરફ, આ ડીલ હેઠળ અમેરિકા ઈરાની ઓઇલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ પર લાગેલા પ્રતિબંધો હટાવવા, નવા પ્રતિબંધો ન લાદવા અને પશ્ચિમ એશિયામાં પોતાની સૈન્ય તાકાત ન વધારવા માટે સંમત થયું છે. આ ઉપરાંત અમેરિકા ઈરાનના આંતરિક મામલામાં દખલ નહીં કરે અને તેના બદલામાં ઈરાને પરમાણુ હથિયાર ન બનાવવાનું વચન આપ્યું છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.