Last Updated on by Sampurna Samachar
મૃતક બાળકના શરીર પર ચાકૂના નિશાન મળ્યા
ત્રણ બાળકોને પકડી પાડવામાં આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીના વઝીરાબાદમાંથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. આ હચમચાવતી ઘટના એ છે કે અહીં દોસ્તોએ મળીને ૯ માં ધોરણમાં ભણતા બાળકનું અપહરણ કરી લીધું અને તેની હત્યા કરી દીધી. ઉલ્લેખનિય છે કે, બાળકને અપહરણ કર્યા બાદ કિડનેપરે પરિવારને ફોન કરી ૧૦ લાખ રુપિયાની ખંડણી માંગી હતી. જોકે હવે ભલસ્વા તળાવ નજીક સુનસાન વિસ્તારમાં હત્યા કરી કિડનેપરે બાળકની લાશ ફેંકી દીધી. મૃતક બાળકના શરીર પર ચાકૂના નિશાન મળ્યા છે. દિલ્હી પોલીસે આ મામલે ત્રણ બાળકોને પકડી લીધા છે. જેમની સાથે પૂછપરછ ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ, મૃતકની ઓળખ ૧૫ વર્ષીય વૈભવ તરીકે થઈ છે, જે મિલ વિહાર વિસ્તારમાં તેના પરિવાર સાથે રહેતો હતો. વૈભવના પિતા વિકાસ ગર્ગ વ્યવસાયે ડ્રાઇવર છે. તેમણે જણાવ્યું કે તેમનો દીકરો મુખર્જી નગર સ્થિત શાળામાં ૯ મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. વૈભવ રમવા માટે બહાર ગયો હતો. પણ જ્યારે તે પાછો ન આવ્યો ત્યારે વૈભવના પિતાએ પોલીસને જાણ કરી. આ દરમિયાન, વિકાસને વૈભવના મોબાઇલ નંબર પરથી ફોન આવ્યો અને ફોન કરનારે વૈભવના પિતા વિકાસ પાસેથી ૧૦ લાખ રૂપિયાની ખંડણી માંગી.
ત્રણેય છોકરાઓ જંગલમાં લઇ જઇ ગળુ કાપ્યું
આ પછી પરિવારે પોલીસને આ ફોન કોલ વિશે જાણ કરી. તપાસ બાદ, પોલીસે શંકાસ્પદ તરીકે ત્રણ સગીરોની પૂછપરછ કરી, જેમણે વૈભવની હત્યાની કબૂલાત કરી. મળતી માહિતી મુજબ, આ ઘટનામાં સામેલ ત્રણેય આરોપીઓ વૈભવના ઘરની નજીક રહેતા હતા. ત્રણેય છોકરાઓ વૈભવને ભાલસ્વા ડેરી તળાવ પાસેના જંગલમાં લઈ ગયા. અહીં તેઓએ વૈભવનું ગળું કાપી નાખ્યું અને તેનો મૃતદેહ ત્યાં ફેંકી દીધો અને ભાગી ગયા.
આ ઘટના બાદ, પોલીસ ટીમે સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા અને સર્વેલન્સની મદદ લીધી. આ પછી, પોલીસે ત્રણેય છોકરાઓને શંકાસ્પદ માન્યા અને તેમની પૂછપરછ કરી, ત્યારબાદ ત્રણેય આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.