Last Updated on by Sampurna Samachar
પહાડ પરથી મોટી માત્રામાં પથ્થરો ખાબક્યા અને લોકોના માથે પડ્યા
મૃતક ૬ માં ત્રણ પર્યટકો નો સમાવેશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના મણિકર્ણમાં એક ભયંકર ભૂસ્ખલન થયુ હતું. જેમાં ૬ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા તો ૫ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટના લગભગ સાંજના સમયે બની હતી, જ્યારે ગુરુદ્વારાની સામે ઘણા લોકો રસ્તાની બાજુમાં બેઠા હતા. ભૂસ્ખલન દરમિયાન પહાડ પરથી મોટી માત્રામાં પથ્થરો ખાબક્યા, સાથે જ એક ઝાડ પણ નીચે પડી ગયું. આની ચપેટમાં ઘણા લોકો આવી ગયા.
મળતી માહિતી મુજબ, રસ્તાની બાજુમાં ઊભેલા રેંકડી ચાલક, એક સુમોમાં સવાર અને ત્રણ પર્યટકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ત્યારે દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલુ છે. ઘટનાસ્થળ પર રેસ્ક્યુ ટીમ પહોંચી ગઈ હતી. કુલ્લુના ADM અશ્વિની કુમારે જણાવ્યું કે, મણિકર્ણ ગુરુદ્વારા પાર્કિંગ નજીક ભૂસ્ખલન થતાં ૬ લોકોના મોત થયા છે, જ્યારે ૫ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા.
કુલ્લુના SDM વિકાસ શુક્લાએ માહિતી આપી
મણિકર્ણના SHO ના નેતૃત્વમાં પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશનમાં કોર્ડિનેટ કર્યુ હતું. આ મામલે કુલ્લુના SDM વિકાસ શુક્લાએ જણાવ્યું કે, હું ઘટનાસ્થળે પહોંચી ગયો છું અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું. મૃતકોને લઈ જવા માટે શબવાહન ઘટનાસ્થળે મોકલવામાં આવ્યું છે. પરિસ્થિતિ નિયંત્રણમાં છે.