Last Updated on by Sampurna Samachar
હત્યા પાછળનુ કારણ જાણો …
પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરી દેવાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશમાં વધુ એક હત્યાનો ચોંકાવનારો કિસ્સો કર્ણાટકની રાજધાની બેંગલુરુ (Bengaluru) માંથી પ્રકાશમાં આવ્યો છે. જેમાં ૩૭ વર્ષીય રિયલ એસ્ટેટ બિઝનેસમેન લોકનાથ સિંહની તેમની પત્ની અને સાસુએ હત્યા કરી દીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, હત્યાનું કારણ લોકનાથના કથિત એકસ્ટ્રા મેરિટલ અફેર અને બિઝનેસની લેવડ દેવડ માનવામાં આવી રહ્યું છે. આ કેસમાં બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે કેટલાક લોકોએ ચિક્કબનાવરાના એક અવાવરું જગ્યાએ એક કારમાં લોકનાથ સિંહનો મૃતદેહ જોયો, ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. ઉત્તર બેંગલુરુના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP ) સૈદુલ અદાવતએ જણાવ્યું કે, “અમને સાંજે ૫:૩૦ વાગ્યે ૧૧૨ પર એક ડિસ્ટ્રેસ કોલ મળ્યો હતો, જેમાં મૃતદેહ મળી આવ્યો હોવાની માહિતી આપવામાં આવી હતી.
લોકનાથ પહેલાથી જ બેંગલુરુ સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચની નજરમાં હતો
અમે તપાસ શરૂ કરી અને હત્યાના આરોપસર લોકનાથની પત્ની અને સાસુની ધરપકડ કરી હતી. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે” પોલીસની શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપીએ પહેલા લોકનાથના ભોજનમાં ઊંઘની ગોળીઓ ભેળવી દીધી હતી, જેથી તે બેભાન થઈ જાય. આ પછી, તેઓ તેને એક અવાવરું જગ્યાએ લઈ ગયા અને છરી વડે તેનું ગળું કાપી નાખ્યું અને પછી ત્યાંથી ભાગી ગયા હતા.
પોલીસે જણાવ્યું હતું કે, લોકનાથના કથિત એકસ્ટ્રા મેરિટલ અફેર અને વ્યવસાયિક પ્રવૃત્તિઓ હત્યા પાછળનું મુખ્ય કારણ હતું. લોકનાથના લગ્ન ગયા વર્ષે ડિસેમ્બરમાં કુનિગલમાં થયા હતા. તે તેની પત્ની સાથે બે વર્ષથી સંબંધમાં હતો, પરંતુ તેમની વચ્ચે ઉંમરના મોટા તફાવતને કારણે, તેનો પરિવાર આ સંબંધની વિરુદ્ધ હતો.
નવાઈની વાત એ છે કે, બંને પક્ષોને આ લગ્નની જાણ પણ નહોતી. લગ્ન પછી, લોકનાથ તેની પત્નીને તેના માતાપિતાના ઘરે છોડી ગયો હતો. મહિલાના પરિવારને તેના લગ્ન વિશે લગભગ બે અઠવાડિયા પહેલા ખબર પડી હતી. આ સમય દરમિયાન, તેમને લોકનાથના કથિત એકસ્ટ્રા મેરિટલ અફેર અને ગેરકાયદેસર વ્યવસાય વિશે પણ માહિતી મળી હતી. લગ્ન પછીથી જ લોકનાથ અને તેની પત્ની વચ્ચેના સંબંધો ખરાબ હતા. બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા અને વાત છૂટાછેડા સુધી પણ પહોંચી ગઈ હતી.
લોકનાથે કથિત રીતે તેના સાસરિયાઓને ધમકાવવાનું શરૂ કર્યું અને તેમને ગંભીર પરિણામોની ચેતવણી આપી, ત્યારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી. આનાથી ગુસ્સે થઈને પત્ની અને તેની માતાએ મળીને લોકનાથની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, લોકનાથ પહેલાથી જ બેંગલુરુ સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચના રડાર હેઠળ હતો. તેમની સામે છેતરપિંડીના કેસમાં તપાસ ચાલી રહી હતી. તેના ગેરકાયદેસર વ્યવસાયિક વ્યવહારોએ તેના પરિવાર અને સાસરિયાઓમાં પણ તણાવ વધાર્યો હતો.