Last Updated on by Sampurna Samachar
બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી
UPI ને ઇન્ડોનેશિયાની પેમેન્ટ સિસ્ટમ સાથે જોડાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇન્ડોનેશિયા મુલાકાત દરમિયાન ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરતા અનેક મહત્વપૂર્ણ ર્નિણયો લેવામાં આવ્યા હતા. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તોએ વડાપ્રધાન મોદીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘બિન્તાંગ આદિપૂર્ણ‘ સન્માનિત કરવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે બંને દેશોએ વેપાર, ડિજિટલ પેમેન્ટ, સંરક્ષણ અને મહત્વપૂર્ણ ખનિજોના ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે ત્રણ મહત્વપૂર્ણ કરારો પર સહમતિ વ્યક્ત કરી હતી.

જકાર્તા પહોંચતા વડાપ્રધાન મોદીના વિમાનને ઇન્ડોનેશિયન વાયુસેનાના ફાઇટર જેટ્સ દ્વારા એસ્કોર્ટ આપવામાં આવ્યું હતું. એરપોર્ટ પર પરંપરાગત વિધિ સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી, જેમાં બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક અને આર્થિક સહયોગને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
વ્યૂહાત્મક ભાગીદારી આગામી વર્ષોમાં વધુ મજબૂત બનશે
સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારતની UPI ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને ઇન્ડોનેશિયાની પેમેન્ટ સિસ્ટમ સાથે જોડવામાં આવશે, જેના કારણે બંને દેશો વચ્ચે ડિજિટલ લેવડદેવડ વધુ સરળ બનશે. ઉપરાંત ક્રિટિકલ મિનરલ્સ, સ્ટીલ અને સપ્લાય ચેઈનને મજબૂત બનાવવા માટે પણ સહયોગ વધારવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. સંરક્ષણ અને દરિયાઈ સુરક્ષાના ક્ષેત્રમાં પણ ભાગીદારી વધુ ગાઢ બનાવવામાં આવશે.
સર્વોચ્ચ સન્માન બદલ આભાર વ્યક્ત કરતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે આ સન્માન માત્ર તેમનું નહીં પરંતુ ૧૪૦ કરોડ ભારતીયોનું ગૌરવ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી આગામી વર્ષોમાં વધુ મજબૂત બનશે.
વૈશ્વિક મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કરતાં વડાપ્રધાન મોદીએ પેલેસ્ટાઈન પ્રશ્નના શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારતના પરંપરાગત ‘ટુ-સ્ટેટ સોલ્યુશન’ના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં સંવાદ, રાજદ્વારી અને શાંતિપૂર્ણ ઉકેલ જ લાંબા ગાળાની સ્થિરતા માટે શ્રેષ્ઠ માર્ગ છે.