Last Updated on by Sampurna Samachar
રાંધણગેસનો પૂરવઠો લોકોને મળે તે માટે પોલીસની કાર્યવાહી
ગેસના સિલિન્ડરોનો સંગ્રહ કરી ઉંચા ભાવે થતુ વેચાણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અંકલેશ્વરમાં રાંધણ ગેસની કાળાબજારી કરનારાઓ પર લગામ લગાવવા અંકલેશ્વર શહેર એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.જી. ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસની અલગ-અલગ ટીમો અંકલેશ્વર શહેરના વિસ્તારોમાં ભાડુઆતો અને ગોડાઉનનું ચેકિંગ શરુ કર્યું હતું.

જ્યાં પોલીસનો પ્રયાસ અસરકારક સાબિત થયો છે. જી.ઇ.બી. રોડ પર આવેલા મોતાલા કંપાઉન્ડમાંથી ગેરકાયદેસર રાંધણ ગેસનો જથ્થો મળી આવ્યો. અહીં રહેણાક મકાનોમાં કોઈ પણ અધિકૃત પરવાનગી વગર ગેસના સિલિન્ડરોનો સંગ્રહ કરી તેનું ચોરીછૂપીથી ઊંચા ભાવે છૂટક વેચાણ કરવામાં આવતું હતું.
કાળાબજારીમાં વૃદ્વાઓના નામ આવતાં આશ્વર્ય
પોલીસે આ મામલે કુલ ત્રણ અલગ-અલગ ગુનાઓ નોંધી બે મહિલાઓ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં નીલાબેન ચોકસી, અનીલાબેન મોદી અને રમણભાઇ પટેલનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં આ ત્રણેયના મકાનોમાંથી ઈન્ડિયન, એચ.પી., ભારત અને રિલાયન્સ કંપનીના કુલ ૧૮ જેટલા ખાલી અને ભરેલા ગેસ સિલિન્ડરો મળી આવ્યા છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રાંધણગેસના વધતા ભાવ અને કેટલીક જગ્યાઓએ સર્જાતી અછતને કારણે સામાન્ય તથા મધ્યમવર્ગીય પરિવારોના ઘરખર્ચ પર વધારાનો બોજો પડી રહ્યો છે. ગેસ સિલિન્ડરના ભાવમાં સતત વધારો થવાથી રસોઈનો ખર્ચ વધી ગયો છે, જ્યારે સમયસર સિલિન્ડર ન મળવાની સમસ્યાને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વધતી મોંઘવારી વચ્ચે રાંધણગેસના ભાવમાં રાહત અને પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા અસરકારક પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે.
આ કેસમાં આરોપીઓમાં ૭૦ વર્ષીય નીલાબેન ચોકસી, ૬૬ વર્ષીય અનીલાબેન મોદી અને ૭૧ વર્ષીય રમણભાઈ પટેલ જેવા વૃદ્ધોના નામ સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે. પ્રાથમિક ચર્ચાઓ મુજબ કાળાબજારીના ગેરકાયદે ધંધાને ઢાંકવા અને પોલીસની કડક કાર્યવાહીથી બચવા માટે વૃદ્ધોને આગળ રાખવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે.
સામાન્ય રીતે વૃદ્ધો પ્રત્યે સહાનુભૂતિનો અભિગમ અપનાવવામાં આવતો હોવાથી તેમની આડમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવવાનો પ્રયાસ થયો હોય તેવી શક્યતાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ સમગ્ર મામલે અંકલેશ્વર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૨૮૭, ૧૨૫ તથા આવશ્યક ચીજવસ્તુ ધારા અધિનિયમ ૧૯૫૫ની કલમ ૩ અને ૭ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે આ કાળાબજારના તાર અન્ય ક્યાં જોડાયેલા છે.