Last Updated on by Sampurna Samachar
કઇ સત્તાના આધારે રાજ્ય સરકારે આ વિવાદમાં પ્રવેશ કર્યો
મંદિરનું ૩૦૦ કરોડનું ફંડ ઉત્તર પ્રદેશ સરકારને અપાયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં આવેલા પ્રખ્યાત શ્રી બાંકે બિહારી મંદિરના સંચાલનને લઇને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લેતા સવાલ કર્યો હતો કે આ સમગ્ર મામલામાં રાજ્ય પક્ષકાર નથી તો પછી કેમ દખલ દેવા માંગે છે ? કઇ સત્તાના આધારે રાજ્ય સરકારે આ વિવાદમાં પ્રવેશ કર્યો ?
ઉત્તર પ્રદેશ સરકારે મથુરામાં આવેલા પ્રખ્યાત શ્રી બાંકે બિહારી મંદિરના પુન:વિકાસ માટે યોજના જાહેર કરી છે, જેને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટના આ ર્નિણયમાં સુધારો કરવાની માંગ કરતી અરજી અરજદાર દેવેન્દ્રનાથ ગૌસ્વામી દ્વારા કરાઇ હતી. અરજદાર વતી હાજર વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે મંદિરનું ૩૦૦ કરોડનું ફંડ ઉત્તર પ્રદેશ સરકારને આપી દેવાયું, જેમાં અમને પક્ષકાર પણ બનાવવામાં ના આવ્યા. ખાનગી મંદિરની આવક સરકારને કેવી રીતે સોંપી શકાય ?
મારા પૂર્વજો ૫૦૦ વર્ષથી આ મંદિરનું સંચાલન કરતા આવ્યા
આ સમગ્ર મામલામાં રાજ્ય સરકારે પોતાને પક્ષકાર બનાવવા માટે અરજી કરી હતી, જેને પગલે સુપ્રીમ કોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે શું રાજ્ય સરકાર આ મામલામાં પક્ષકાર હતી ? કઇ સત્તાના આધારે વિવાદમાં સામેલ થઇ? જો ખાનગી વિવાદોમાં રાજ્ય સરકાર પ્રવેશવા લાગશે તો કાયદાના શાષનનો ભંગ થશે, સરકાર લિટિગેશનને હાઇજેક ના કરી શકે, બે ખાનગી પક્ષકારો વચ્ચેના વિવાદમાં રાજ્ય પક્ષકાર બનવા અરજી કરીને મામલાને હાઇજેક કરવા માંગતી હોય તો તેને મંજૂરી ના આપી શકાય.
આ પહેલા ૧૫મી મેના રોજ સુપ્રીમ કોર્ટે મંદિરના વિકાસ માટે કોરિડોરના પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. બાદમાં મંદિરના ફંડમાંથી પાંચ એકર જમીન ખરીદવા રાજ્ય દ્વારા અપીલ કરાઇ હતી. જેને સુપ્રીમે સ્વીકારી હતી.
બાદમાં ૧૯ મી મેના રોજ ગોસ્વામીએ અરજી કરી હતી અને દલીલ કરી હતી કે જે લોકો વર્ષોથી આ મંદિરનું સંચાલન કરી રહ્યા છે તેમને સામેલ કર્યા વગર આ પ્રોજેક્ટને મંજૂરી ના આપી શકાય. તેનાથી વ્યવસ્થામાં ખામી સર્જાશે. ગોસ્વામીએ દાવો કર્યો હતો કે મારા પૂર્વજો ૫૦૦ વર્ષથી આ મંદિરનું સંચાલન કરતા આવ્યા છે.