Last Updated on by Sampurna Samachar
ગરીબ પરિવારોને મદદ કરવાની દિશામાં પહેલ
ગોન્ડા જિલ્લાને ૭૨૨ લગ્નનું લક્ષ્યાંક મળ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશમાં દીકરીઓના લગ્ન કરવા એ હવે વધુ સન્માનજનક અને સરળ થવા જઈ રહ્યું છે. યોગી સરકારે મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજનાનું બજેટ હવે લગભગ એક લાખ રૂપિયા પ્રતિ વિવાહ જેટલું કરી નાખ્યું છે. આ પગલું સામાજિક સશક્તિકરણ અને ગરીબ પરિવારોને મદદ કરવાની દિશામાં એક મોટી પહેલ ગણાઈ રહી છે.
અત્યાર સુધી આ યોજના હેઠળ પ્રતિ વિવાહ ૫૧,૦૦૦ ની જોગવાઈ હતી. પરંતુ હવે તે વધારીને એક લાખ રૂપિયા કરી દેવાઈ છે. જેમાં ૬૦,૦૦૦ રૂપિયાની રકમ સીધી દીકરીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાશે. જ્યારે ૨૫,૦૦૦ રૂપિયા ઉપહાર સામગ્રી અને ૧૫,૦૦૦ રૂપયા વિવાહ આયોજન ખર્ચમાં અપાશે.
વિધવા તથા દિવ્યાંગ વિવાહાર્થીઓને અપાશે મહત્વ
સરકાર દ્વારા અપાનારી ભેટ સામગ્રીની સૂચિ પણ પહેલા કરતા વધુ આકર્ષક અને ઉપયોગી કરાઈ છે. જેમ કે દુલ્હન માટે ૫ સાડી બ્લાઈઝ, લહેંગા, ચૂંદડી અને અન્ય વસ્ત્ર, દુલ્હેરાજા માટે પેન્ટ-શર્ટનું કપડું, ગમછો વગેરે, દુલ્હન માટે પાયલ, વિંછિયા, બિસ્તર સેટ, ડ્રાયફ્રૂટ, મિઠાઈ, ટ્રોલી બેગ વગેરે.
આ વખતે ગોન્ડા જિલ્લાને ૭૨૨ લગ્નનું લક્ષ્યાંક મળ્યું છે. સમાજ કલ્યાણ અધિકારી એસપી સિંહ મુજબ નગર પાલિકાઓ અને બ્લોકોમાં શુભ મુહૂર્ત મુજબ વિવાહ કાર્યક્રમ સંપન્ન કરાશે. આ યોજનાનો લાભ લેવા ઈચ્છુક પરિવાર સમાજ કલ્યાણ વિભાગના કાર્યાલય કે સંબંધિત બ્લોક કાર્યાલયમાં જઈને અરજી કરી શકો છો.
મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજના હેઠળ છોકરીની ઉંમર ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને છોકરાની ઉંમર ૨૧ વર્ષ હોવી જોઈએ. યોજનામાં નિરાશ્રિત કન્યા, વિધવા મહિલાની પુત્રી, દિવ્યાંગજનની પુત્રીને પ્રાથમિકતા અપાય છે. વિધવા તથા દિવ્યાંગ વિવાહાર્થીઓને પણ યોજનામાં મહત્વ અપાય છે.
સરકારની આ યોજના ફક્ત આર્થિક મદદ નથી પરંતુ એવા પરિવારો માટે આશા અને સન્માનનું પ્રતિક બની છે જે સામાજિક કારણો અને આર્થિક તંગીના પગલે વિવાહ કરવામાં મુશ્કેલી અનુભવે છે. હવે દરેક દીકરીના લગ્ન ફક્ત સંસ્કાર નહીં પરંતુ સરકારી સહાયનું ઉદાહરણ પણ બનશે.