Last Updated on by Sampurna Samachar
લોકસભાની બેઠકો ઉત્તર પ્રદેશમાં વધીને ૧૪૩ થશે
કેરળમાં લોકસભાની એક પણ બેઠક નહીં વધે
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્ર સરકારની કેબિનેટે ગયા મહિને જાતિ આધારિત વસતી ગણતરીને મંજૂરી આપી દીધી છે અને સરકારે આ મહિને જાહેરાત કરી હતી કે, વર્ષ ૨૦૨૬ થી બે તબક્કામાં માર્ચ ૨૦૨૭ સુધીમાં વસતી ગણતરી કરાશે. આવા સમયે ૨૦૨૯ ની લોકસભા ચૂંટણી પહેલાં દેશમાં કેવી સ્થિતિ હશે તે અંગે એક રિપોર્ટ જાહેર થયો છે. આ રિપોર્ટ મુજબ ૨૦૨૯ માં એકલા ઉત્તર પ્રદેશમાં લોકસભાની બેઠકો વર્તમાન ૮૦ થી વધીને ૧૪૩ થઈ જશે જ્યારે દક્ષિણના રાજ્ય કેરળમાં લોકસભાની એક પણ બેઠક નહીં વધે.
સરકારી સૂત્રોએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર ૨૦૨૯ની લોકસભા ચૂંટણી પહેલા લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓને ૩૩ ટકા અનામત આપવાની યોજના પર કામ કરી રહી છે. આ અનામત નવા સીમાંકનના આધારે લાગુ કરાશે.
સીમાંકન પંચ માટે સૌથી મોટો પડકાર દક્ષિણના રાજ્યો
તેમણે ઉમેર્યું કે, આ યોજના અગાઉથી નિશ્ચિત સમય મર્યાદા કરતાં ઘણા સમય પહેલા લાગુ થઈ શકે છે. સરકારે તાજેતરમાં જ દાવો કર્યો હતો કે વસતી ગણતરી બે તબક્કામાં ૧ માર્ચ, ૨૦૨૭ પહેલાં પૂરી કરી લેવાશે. આ વસતી ગણતરીમાં આઝાદી પછી પહેલી વખત જ્ઞાતિ આધારિત આંકડાઓનો પણ સમાવેશ કરાશે, જે આગળ જઈને સીમાંકનનો પાયો બનશે.
અત્યાર સુધી મનાતું હતું કે, સીમાંકનની પ્રક્રિયા અને મહિલાઓ માટે અનામત ૨૦૩૪ ની લોકસભા ચૂંટણી સુધીમાં લાગુ થશે, પરંતુ હવે ૨૦૨૯ ની સમય મર્યાદા અંગે કેન્દ્ર સરકાર ઘણી આક્રમકરૂપે યોજના બનાવી રહી છે. સીમાંકન પંચ માટે સૌથી મોટો પડકાર દક્ષિણના રાજ્યો હશે. દક્ષિણના રાજ્યોની માંગ છે કે ૧૯૭૦-૮૦ના દાયકામાં તેમણે જનસંખ્યા નિયંત્રણમાં રાખવાની બાબતને પ્રાથમિક્તા આપી હતી. કેન્દ્ર સરકારે આ રાજ્યોને આશ્વાસન આપ્યું છે કે તેમની ચિંતાઓનું ધ્યાન રખાશે.
ગૃહમંત્રી અમિત શાહે ફેબુ્રઆરીમાં કોયમ્બતૂરમાં કહ્યું હતું કે, સીમાંકનના કારણે દક્ષિણ ભારતની કોઈપણ બેઠક આંચકી નહીં લેવામાં આવે. ૨૦૧૯ માં કાર્નેગી એન્ડાવમેન્ટના અભ્યાસ મુજબ ૨૦૨૬ની અંદાજિત વસતીને આધાર માનવામાં આવે તો લોકસભાની બેઠકો વધીને ૮૪૮ થઈ શકે છે, જેમાં એકલા ઉત્તર પ્રદેશની જ ૧૪૩ બેઠકો હશે, જ્યાં હાલમાં તેની બેઠકો ૮૦ છે. બીજી બાજુ તમિલનાડુની બેઠકો ૩૯થી વધીને ૪૯ થઈ શકે છે જ્યારે કેરળની ૨૦ બેઠકોમાં કોઈ વધારો થશે નહીં.
બીજીબાજુ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કેન્દ્ર સરકારના આશય પર સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે, સીમાંકન સુધી વસતી ગણતરી ટાળવી અને પછી સીમાંકન કરાવવું એ તમિલનાડુની સંસદીય ભાગીદારી ઘટાડવાની યોજનાનો ભાગ છે. તેમણે માંગ કરી કે ૧૯૭૧ ની વસતી ગણતરીના આધારે સીમાંકનનું માળખુ ૨૦૨૬ પછી પણ ઓછામાં ઓછા ૩૦ વર્ષ સુધી લાગુ રહેવું જોઈએ.