Last Updated on by Sampurna Samachar
૨ લોકોએ ગેરકાયદેસર રીતે ઘૂસવાનો પ્રયાસ કર્યો
આરોપીઓને પોલીસને હવાલે કરાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
બોલિવૂડ એક્ટર સલમાન ખાન ફરી ચર્ચામાં આવ્યા છે. તેમના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ૨ દિવસમાં ૨ લોકોએ ગેરકાયદેસર રીતે ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેઓને પકડીને પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ૨૦ મે ૨૦૨૫ના રોજ સાંજે એક શખ્સે સલમાન ખાન (SALMAN KHAN) ના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેને ઝડપી લેવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે જિતેન્દ્ર કુમાર નામના શખ્સ સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. જિતેન્દ્ર કુમાર છત્તીસગઢનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તેના પર BNS ની કલમ ૩૨૯ (૧) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
સલમાન ખાનની સુરક્ષા વધારવામાં આવી
જે બાદ આજે પણ સલમાન ખાનના ઘરમાં એક યુવતીએ ગેરકાયદેસર રીતે ઘુસવાનો પ્રયાસ કર્યો હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં સામે આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ૨૦ મેના રોજ એક શખ્સ ગેરકાયદેસર રીતે સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ઘૂસવાનો પ્રયાસ કરતા તેને પોલીસના હવાલે કરાયો હતો, જે બાદ આજે ફરી એકવાર એક યુવતીએ સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. આ યુવતીની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગેલેક્સી એપાર્ટમેન્ટ ખાતે સલમાન ખાનની સુરક્ષા માટે તૈનાત પોલીસ અધિકારીએ બાંદ્રા પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું કે, ૨૦ મેના રોજ એક અજાણ્યો શખ્સ ગેલેક્સી એપાર્ટમેન્ટ બિલ્ડિંગની આસપાસ ફરતો જોવા મળ્યો હતો.
તેમણે તેને સમજાવ્યો અને ત્યાંથી જવા માટે કહ્યું. આ વાતથી ગુસ્સે થયેલા શખ્સે પોતાનો મોબાઇલ ફોન જમીન પર ફેંકીને તોડી નાખ્યો. ત્યારબાદ સાંજે લગભગ ૭:૧૫ વાગ્યે તે જ અજાણ્યો શખ્સ ગેલેક્સી એપાર્ટમેન્ટના મુખ્ય દ્વાર પર પાછો આવ્યો અને બિલ્ડિંગમાં ગેરકાયદેસર રીતે ઘૂસી ગયો હતો. ત્યાં હાજર પોલીસ કોન્સ્ટેબલ સુર્વે, મહેત્રે, પવાર અને સુરક્ષા ગાર્ડ કમલેશ મિશ્રાએ તેને તાત્કાલિક કસ્ટડીમાં લઈ બાંદ્રા પોલીસને સોંપી દીધો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ૨૩ વર્ષનો જિતેન્દ્ર કુમાર છત્તીસગઢનો રહેવાસી છે. પોલીસ તેની સખત પૂછપરછ કરી રહી છે. જ્યારે પોલીસે તેને પૂછ્યું કે તે અંદર કેમ ઘૂસ્યો, તો તેણે કહ્યું, “હું સલમાન ખાનને મળવા માંગતો હતો, પરંતુ પોલીસ મને તેમને મળવા દેતી નહોતી, તેથી છુપાઈને ગયો હતો.” જિતેન્દ્ર સલમાન ખાનનો મોટો ફેન છે કે પછી કેસમાં કંઈક બીજું જ છે, તે તપાસ પછી જ સ્પષ્ટ થશે. નોંધનીય છે કે, અભિનેતા સલમાન ખાનને અનેક વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી ચૂકી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગના ઈશારે તેમના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ પણ થયું હતું. ત્યારથી સલમાન ખાનની સુરક્ષા વધારવામાં આવી છે.