Last Updated on by Sampurna Samachar
નિ:સહાય લોકો ક્યારેય ન સમાપ્ત થતા ડેથ લૂપમાં ફસાયા
ગાઝામાં ન પહોંચી સહાય
(સંપૂર્ણ સમાચાર સેવા)
UN જનરલ સેક્રેટરીએ ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટીની નાકાબંધીની સખત નિંદા કરી છે અને તેને એક એવું કૃત્ય ગણાવ્યું છે જેણે દહેશત ફેલાવી દીધી છે. તેને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે અને ઈઝરાયલની કડક નિંદા કરી છે.
એન્ટોનિયો ગુટેરેસે ન્યૂયોર્કમાં યુનાઈટેડ નેશન્સ હેડક્વાર્ટરમાં ટિપ્પણીમાં કરતા કહ્યું કે, એક મહિનાથી વધુ સમય વીતી ચૂક્યો છે અને ગાઝામાં સહાયનું એક ટીપું પણ નથી પહોંચ્યું. ખોરાક, બળતણ, દવા, કમર્શિયલ પુરવઠો કંઈ જ નથી પહોંચ્યું. મદદ ખતમ થઈ ગઈ હોવાથી દહેશતના દરવાજા ખુલી ગયા છે. ગાઝા એક હત્યાનું મેદાન છે અને નિ:સહાય લોકો ક્યારેય ન સમાપ્ત થતા ડેથ લૂપમાં ફસાયા છે.
ગાઝામાં સતત હુમલા ચાલું રહ્યા
ગુટેરેસની ટિપ્પણીઓ ગાઝામાં ગંભીર માનવીય પરિસ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્ર તરફથી સૌથી મજબૂત મેસેજમાંથી એક છે. તમને જણાવી દઈએ કે, ગાઝામાં સતત હુમલા ચાલું રહ્યા હતા. ગાઝા શહેરના પૂર્વમાં શેજૈયામાં એક હવાઈ હુમલામાં ૮ મહિલાઓ અને ૮ બાળકો સહિત ઓછામાં ઓછામાં ૨૩ લોકો માર્યા ગયા હતા અને લગભગ ૬૦ લોકો ઘાયલ થયા હતા.
આ વિસ્તારમાંથી મળી આવેલા ફૂટેજમાં એક રહેણાંક ઈમારત ધરાશાયી થતી દેખાઈ રહી છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે કહ્યું કે આ હમાસના એક સીનિયર આતંકવાદી પર હુમલો હતો, પરંતુ તેમણે તેનું નામ નથી જણાવ્યું. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે હુમલાથી લગભગ ૨૦૦ મીટર દૂર રહેતા એક રહેવાસીએ કહ્યું કે વિસ્ફોટ સમયે હું જમીન પર ઢળી પડ્યો હતો.
ડોક્ટર્સનું કહેવું છે કે, મોટા પાયે દુર્ઘટનાઓના કારણે હોસ્પિટલો પર દબાણ વધી રહ્યું છે. દવાઓ અને બીજી જરૂરી વસ્તુઓની જરૂરત હોવાથી હોસ્પિટલ ચલાવવું મુશ્કેલ બની ગયું છે. તમને જણાવી દઈએ કે, ઈઝરાયલે ૨ માર્ચથી ગાઝામાં તમામ સહાયની એન્ટ્રી પર રોક લગાવી દીધી હતી અને કહ્યું હતું કે, જ્યાં સુધી હમાસ બંધક બનાવેલા બાકી લોકોને મુક્ત નહીં કરે ત્યાં સુધી યુદ્ધથી તબાહ આ વિસ્તારમાં કોઈ સહાયતા નહીં પહોંચશે.