Last Updated on by Sampurna Samachar
ચીનની કંપનીએ રજૂ કરી સ્ટીયરિંગ વ્હીલ વગરની અદ્યતન રોબોટેક્સી
સામાન્ય રીતે ઘણી કંપનીઓ અસ્તિત્વ ધરાવતી કારમાં સેન્સર્સ લગાવીને તેને ઓટોમેટિક બનાવવાનો પ્રયાસ કરે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિશ્વભરમાં જ્યારે ડ્રાઇવરલેસ ટેકનોલોજી પર સંશોધનો થઈ રહ્યા છે, ત્યારે ચીની ઓટોમેકર ગીલીએ પોતાની અત્યંત અદ્યતન રોબોટેક્સીનો પ્રોટોટાઇપ રજૂ કરીને દુનિયાને ચોંકાવી દીધી છે. આ વાહન માત્ર એક કાર નથી, પરંતુ આધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એન્જિનિયરિંગનો અદભૂત સમન્વય છે, જે ભવિષ્યમાં શહેરી પરિવહનનું ચિત્ર બદલી શકે છે.

સામાન્ય રીતે ઘણી કંપનીઓ અસ્તિત્વ ધરાવતી કારમાં સેન્સર્સ લગાવીને તેને ઓટોમેટિક બનાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ ગીલીની આ ‘ઈવા કેબ‘ ની ખાસિયત એ છે કે તેને શરૂઆતથી જ ડ્રાઇવરલેસ વાહન તરીકે ડિઝાઇન કરવામાં આવી છે. આ કારમાં સ્ટીયરિંગ વ્હીલ કે પરંપરાગત ડ્રાઇવિંગ કંટ્રોલ સિસ્ટમની કોઈ જરૂર નથી, જેના કારણે અંદર બેસનારા મુસાફરોને વધુ જગ્યા અને આરામ મળે છે.
ટ્રાફિકના સ્પષ્ટ નિશાન કે સાઈનબોર્ડ ન હોય
ઈવા કેબમાં લગાવેલી AI સિસ્ટમ હકીકતમાં વાહનનું મગજ છે. તે રસ્તા પર ક્યારે વળવું, ક્યારે બ્રેક મારવી અને ટ્રાફિકના જટિલ સંજોગોમાં કેવી રીતે માર્ગ કાઢવો તે જાતે નક્કી કરે છે. કંપનીના દાવા મુજબ, આ સિસ્ટમ મનુષ્ય કરતા ત્રણ ગણી ઝડપથી ર્નિણય લેવાની ક્ષમતા ધરાવે છે. પરીક્ષણ દરમિયાન, આ કારે સાંકડી ગલીઓ, વ્યસ્ત ટ્રાફિક અને યુ-ટર્ન જેવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં ૯૫ ટકા સફળતા મેળવીને પોતાની ક્ષમતા સાબિત કરી છે.
૪૩ સેન્સર અને ૩૬૦-ડિગ્રી સુરક્ષા કવી:આ રોબોટેક્સી કુલ ૪૩ અદ્યતન સેન્સર અને હાઈ-રિઝોલ્યુશન કેમેરા થી સજ્જ છે. આ સેન્સર્સ કારને ૩૬૦-ડિગ્રીનું સંપૂર્ણ વિઝન આપે છે, જેનાથી તે રસ્તા પર ચાલતા રાહદારીઓ, સાયકલ સવારો અને અન્ય વાહનોને પળવારમાં ઓળખી લે છે. આ સેન્સર્સની મદદથી કાર એવા રસ્તાઓ પર પણ સરળતાથી ચાલી શકે છે જ્યાં ટ્રાફિકના સ્પષ્ટ નિશાન કે સાઈનબોર્ડ ન હોય.
સુરક્ષા માટે ડિજિટલ ચેસિસ ટેકનોલોજી:સલામતીના મામલે આ વાહન અદ્વિતીય છે. તેમાં ડિજિટલ ચેસિસ નામની ટેકનોલોજીનો ઉપયોગ થયો છે, જે માત્ર ૪ મિલિસેકન્ડ માં પ્રતિક્રિયા આપે છે. જો અચાનક રસ્તા પર કોઈ અડચણ આવે, તો કાર માનવીય પલકારો ઝપકે તે પહેલા બ્રેક મારી દે છે અથવા વળાંક લઈને અકસ્માત ટાળે છે. આ ઉપરાંત, તેમાં મલ્ટી-લેયર સિક્યુરિટી સિસ્ટમ છે, જે સુનિશ્ચિત કરે છે કે જો કોઈ એક ટેકનિકલ સિસ્ટમ ફેઈલ થાય, તો પણ બીજી સિસ્ટમ વાહનને સુરક્ષિત રીતે અટકાવી શકે.