Last Updated on by Sampurna Samachar
ચીને તાઇવાન પર દબાણ વધારવાનું શરૂ કયુ
તાઇવાને દાવો કર્યો છે કે ચીનના બે યુદ્ધ જહાજો પેંઘુ દ્વીપ સમૂહની નજીક દરિયાઈ વિસ્તારમાં જોવા મળ્યા હર્તાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિશ્વભરમાં અત્યારે યુદ્ધ અને વર્ચસ્વની લડાઈ તેજ બની રહી છે, જેમાં એક તરફ ઈરાન-અમેરિકા વચ્ચે તણાવ છે, તો બીજી તરફ ચીને તાઇવાન પર દબાણ વધારવાનું શરૂ કર્યું છે. તાઇવાનના સંરક્ષણ મંત્રીએ દાવો કર્યો છે કે ચીનના બે યુદ્ધ જહાજો પેંઘુ દ્વીપ સમૂહની નજીક દરિયાઈ વિસ્તારમાં જોવા મળ્યા હતા.

આ ઘટના બાદ તાઇવાને તાત્કાલિક ધોરણે ઍલર્ટ જાહેર કરી દીધું છે. માનવામાં આવે છે કે ચીન આ રીતે તાઇવાન સ્ટ્રેટમાં પોતાની સૈન્ય હાજરી મજબૂત કરી રહ્યું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગંભીર તણાવ ઊભો થયો છે. તાઇવાનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પેંઘુ દ્વીપ સમૂહના દક્ષિણ-પશ્ચિમ જળ વિસ્તારમાં ચીનનું એક ડિસ્ટ્રોયર અને એક ફ્રિગેટ જહાજ ઘૂસી આવ્યા હતા.
સુરક્ષાના કારણોસર ચોક્કસ લોકેશન જાહેર કર્યું નથી
આ ચીની જહાજોની દેખરેખ માટે તાઇવાનની નૌકાદળ અને વાયુસેનાને તહેનાત કરી દેવામાં આવી છે. તાઇવાની સશસ્ત્ર દળોએ ચીની હિલચાલ પર કડક નજર રાખીને યોગ્ય વળતો જવાબ પણ આપ્યો છે. મંત્રાલયે આ યુદ્ધ જહાજોની આકાશી માર્ગે લેવાયેલી તસવીરો પણ જાહેર કરી છે, જોકે સુરક્ષાના કારણોસર ચોક્કસ લોકેશન જાહેર કર્યું નથી.
નોંધનીય છે કે ચીન તાઇવાનને પોતાનો જ ભાગ ગણાવે છે અને અવારનવાર તેના જળ અને વાયુ ક્ષેત્રમાં સૈન્ય ઘૂસણખોરી કરતું રહે છે. તાઇવાન સરકારની વારંવારની નિંદા છતાં ચીન પોતાની આક્રમક વ્યૂહનીતિ બદલવા તૈયાર નથી. ચીનનું કહેવું છે કે તેની આ સૈન્ય પ્રવૃત્તિઓ ન્યાયસંગત છે અને તણાવ માટે તે તાઇવાનને જ જવાબદાર ગણાવે છે. બીજી તરફ, તાઇવાને ચીનના સાર્વભૌમત્વના દાવાને સ્પષ્ટપણે ફગાવી દીધો છે અને કહ્યું છે કે તાઇવાનનું ભવિષ્ય નક્કી કરવાનો અધિકાર માત્ર ત્યાંના લોકો પાસે જ છે.