Last Updated on by Sampurna Samachar
બંનેને વિધર્મી યુવકોને પ્રેમજાળમાં ફસાવી હોવાનો દાવો
મહિલાઓએ વકીલ પાસે પહોંચી એકબીજા સાથે લગ્ન કરવા કહ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના બદાયૂં જિલ્લામાં કથિત રીતે ‘લવ જેહાદ‘નો ભોગ બનેલી બે છોકરીઓએ કોર્ટ પરિસરમાં આવેલા શિવ મંદિરમાં લગ્ન કર્યા છે. એક અધિકારીએ આ માહિતી આપતા કહ્યું કે, આશા અને જ્યોતિ નામની મહિલાઓએ વકીલ દિવાકર વર્મા અને અન્ય ઘણા લોકોની હાજરીમાં મંદિરમાં માળા પહેરાવીને લગ્ન કર્યા હતા.
એડવોકેટ દિવાકર વર્માએ જણાવ્યું હતું કે,‘આશા અને જ્યોતિ નામની બે છોકરીઓ બદાયૂં કોર્ટ પરિસરમાં આવેલા તેમના ચેમ્બરમાં પહોંચી અને એકબીજા સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.‘ વર્માએ કહ્યું કે, તેમણે બંને છોકરીઓને કહ્યું કે તમે કાયદેસર રીતે લગ્ન કરી શકતા નથી. કારણ કે તેઓ એક જ લિંગના છે, ત્યારબાદ બંને છોકરીઓએ કલેક્ટર કચેરીના શિવ મંદિરમાં માળા અર્પણ કરીને એકબીજા સાથે “લગ્ન” કર્યા હતા.
લગ્ન કાયદેસર રીતે માન્ય ન હોય, પણ બંને જીવનભર સાથે રહેશે
‘લવ જેહાદ‘નો ભોગ બનેલી આશાએ દાવો કર્યો હતો કે બે મુસ્લિમ છોકરાઓએ નામ બદલીને પ્રેમનું નાટક કર્યુ અને બાદમાં તેમની સાથે છેતરપિંડી કરી હતી. યુવતીએ આરોપ લગાવ્યો કે કાયદો પણ ગુનેગારોને સજા આપતો નથી. જ્યોતિએ પણ આવા જ આરોપો લગાવ્યા અને કહ્યું કે, ભલે તેમના લગ્ન કાયદેસર રીતે માન્ય ન હોય, પણ તે અને આશા જીવનભર સાથે રહેશે.