Last Updated on by Sampurna Samachar
બંનેને પાર્ટીના તમામ પદો પરથી દૂર કરવામાં આવ્યા
ભાજપ પક્ષમાંથી હાંકી કઢાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
કર્ણાટકના બે ધારાસભ્યો સામે અનેક FIR , ક્રોસ વોટિંગ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિની ઘટના સામે આવ્યા બાદ ભાજપે મોટી કાર્યવાહી કરી છે. પાર્ટીએ પક્ષ વિરોધી પ્રવત્તિઓ કરનારા બંને ધારાસભ્યોને પક્ષમાંથી છ વર્ષ માટે હાંકી કાઢ્યા છે. એટલું જ નહીં બંનેને પાર્ટીના તમામ પદો પરથી દૂર કરવામાં આવ્યા છે.
ભાજપ કર્ણાટક એકમના અધ્યક્ષ બી.વાઈ.વિજયેન્દ્રએ કહ્યું કે, ‘ભાજપના હાઈકમાન્ડ સાથે વાતચીત કર્યા બાદ યશવંતપુરાના ધારાસભ્ય એસ.ટી. સોમશેખર અને યેલ્લાપુરના ધારાસભ્ય એ.શિવરામ હેબ્બારે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ભાજપમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાની સાથે તેઓને તમામ પદો પરથી હટાવી દેવાયા છે.
તાત્કાલીક છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો ર્નિણય
ભાજપની કેન્દ્રીય શિસ્ત સમિતિના સભ્ય સચિવ ઓમ પાઠકે શિવરામ હેબ્બારને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયા હોવાનો સત્તાવાર પત્ર પાઠવ્યો છે. હેબ્બારે પાર્ટી શિસ્તનું વારંવાર ઉલ્લંઘન કર્યું છે, જેના કારણે આ કાર્યવાહી કરી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. પત્રમાં લખાયું છે કે, તમને પ્રાથમિક સભ્યપદેથી તાત્કાલીક છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો ર્નિણય લેવાયો છે અને તમને પાર્ટીના તમામ પદો પરથી હટાવી દેવાયા છે.
સોમશેખર અને હેબ્બાર પર અનેક FIR નોંધાયેલી છે અને તેની તપાસ પણ કરવામાં આવી છે. માર્ચ ૨૦૨૪માં રાજ્યસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં સોમશેખરે પાર્ટી વ્હિપનું ઉલ્લંઘન કરી કોંગ્રેસ ઉમેદવાર અજય માકન માટે ક્રોસ વોટિંગ કર્યું હતું, જ્યારે હેબ્બાર મતદાન કરવાથી દૂર રહ્યા હતા. બંને ધારાસભ્યોની આ પ્રવૃત્તિને ભાજપના આંતરિક વિદ્રોહ તરીકે જોવાઈ છે, જેને લઈને પાર્ટીએ આ કાર્યવાહી કરી છે.