Last Updated on by Sampurna Samachar
ઇન્દોર રાજા રઘુવંશી હત્યા કેસમાં સોથી મોટો ખુલાસો
૯ જૂનના રોજ ગાઝીપુરથી સોનમની કરી હતી ધરપકડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈન્દોરના ઉદ્યોગપતિ રાજા રઘુવંશીની હત્યામાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ કેસની તપાસમાં સામે આવ્યું છે કે હત્યારાઓએ એક અજાણી મહિલાની હત્યા કરીને તેના શરીરને બાળી નાંખીને પછી એને રાજાની પત્ની સોનમ (SONAM) રઘુવંશીના શબ તરીકે ખપાવી દેવાની યોજના બનાવી હતી. રાજાની હત્યાના કેસમાં પાંચ જણની ધરપકડ કરાઈ છે, જેમાં રાજાની પત્ની સોનમ, સોનમના પ્રેમી રાજ કુશવાહા અને ત્રણ કોન્ટ્રાક્ટ કિલર આનંદ, આકાશ રાજપૂત અને વિશાલ ઉર્ફે વિકી ઠાકુરનો સમાવેશ થાય છે.
રાજા રઘુવંશીની હત્યાનું સમગ્ર કાવતરું તેમના લગ્નના અગાઉ ઈન્દોરમાં જ ઘડી કઢાયું હતું. આરોપીઓએ કબૂલ કર્યું છે કે, રાજાની હત્યાનું આયોજન લગ્નના ત્રણ મહિના પહેલા ફેબ્રુઆરીમાં શરૂ થયું હતું. રાજાની હત્યા સાથે સંબંધિત અન્ય ત્રણ યોજના પણ એમણે ઘડી હતી, પરંતુ એ અમલમાં નહોતી મૂકી શકાઈ.
એવો દાવો કરી શકાય કે સોનમ બળીને મરી ગઈ
આ ગુનેગારોની પૂછપરછ કરનારા મેઘાલય પોલીસના અધિકારીએ જણાવ્યું હતું કે, હત્યારાઓએ એકથી વધુ યોજના વિચારી રાખી હતી, જેમાંની એક યોજના એવી હતી કે સોનમ નદીમાં તણાઈ ગઈ છે એમ કહી દેવું. બીજી યોજના એવી હતી કે કોઈપણ મહિલાની હત્યા કરીને એનો મૃતદેહ સોનમના સ્કૂટર પર મૂકી દેવાનો અને પછી એને આગ ચાંપી દેવાની. જેથી એવો દાવો કરી શકાય કે સોનમ બળીને મરી ગઈ.
ઉલ્લેખનીય છે કે નવદંપતી ૧૯ મેના રોજ આસામ પહોંચ્યું એના થોડા દિવસો પહેલા રાજ કુશવાહાના સાથીઓ ગુવાહાટી પહોંચી ગયા હતા. તેમણે ગુવાહાટીમાં જ ક્યાંક રાજાને મારી નાખવાની યોજના બનાવી હતી. જોકે, એ યોજના સફળ ન થતાં તેઓ પહેલાં શિલોંગ ગયા હતા અને પછી સોહરા ગયા હતા, જ્યાં હત્યા કરાઈ હતી.
આ ચારેય હત્યારા રાજા અને સોનમને નોંગરિયાટમાં મળ્યા હતા. બાદમાં તે બધા સાથે વેઈસાવડોંગ ફોલ્સ તરફ રવાના થયા હતા. ત્યાં તક જોઈને રાજા પર છરી વડે હુમલો કરાયો. આ હત્યા સોનમની નજર સામે જ કરાઈ હતી. ત્યાર પછી રાજાની લાશને ખીણમાં ફેંકી દેવાઈ. આકાશના શર્ટ પર લોહીના ડાઘ પડેલા હોવાથી સોનમે પોતાનો રેઈનકોટ તેને પહેરવા આપ્યો હતો. રાજાની હત્યા કર્યા બાદ ચારેય જણ સ્કૂટર પર પરત ફર્યા હતા. રેઈનકોટ પર પણ લોહીના ડાઘ લાગી જતાં આકાશે રેઈનકોટ કાઢીને ફેંકી દીધો હતો.
શિલોંગથી ઈન્દોર જતી વખતે સોનમે રાજ દ્વારા અપાયેલો બુરખો પહેરી લીધો હતો. તે ઈન્દોર પહોંચી એ પછી રાજે સોનમનું અપહરણ થયાની યોજનાના ભાગરૂપે તેને ફરી સિલિગુડી આવવા કહ્યું હતું. જોકે, ૮ જૂને આકાશની ધરપકડ થતાં રાજ ગભરાઈ ગયો હતો. તેણે સોનમને કહ્યું કે તે પરિવારજનોને ફોન કરીને કહે કે તે અપહરણમાંથી બચી ગઈ છે. એ પછી ૯ જૂનના રોજ સોનમ ગાઝીપુરમાં દેખાઈ હતી અને ત્યાં તેની ધરપકડ કરાઈ હતી. ત્યાર બાદ બાકીના આરોપીઓને પણ પોલીસ દ્વારા ઝડપી લેવાયા હતા અને આ સમગ્ર હત્યાકાંડનો પર્દાફાશ થયો હતો.