Last Updated on by Sampurna Samachar
પ્રથમવાર વિદેશમંત્રીએ પાકિસ્તાન વિરુદ્ધ આપ્યું નિવેદન
અમને આંતરરાષ્ટ્રીય ટેકો મળ્યો : વિદેશમંત્રી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાન સાથેના તણાવ બાદ વિદેશમંત્રી એસ જયશંકર દ્વારા પ્રથમવાર પાકિસ્તાન (PAKISTHAN) વિરુદ્ધ નિવેદન આપ્યું છે. વિદેશ મંત્રીએ ભારતના વલણને પુનરાવર્તિત કર્યું અને કહ્યું કે, જો હવે પાકિસ્તાન સાથે કોઈ વાતચીત થશે, તો તે ફક્ત POK પર જ થશે. આમાં કોઈ ત્રીજા દેશની દખલગીરીની જરૂર નથી.
વિદેશ મંત્રીએ આક્રમક રીતે કહ્યું કે, અમે ફક્ત પાકિસ્તાનમાં આતંકવાદી માળખાનો નાશ કર્યો છે. અમે લક્ષ્યો નક્કી કર્યા હતા, જે અમે પ્રાપ્ત કર્યા છે. ઓપરેશન સિંદૂર અંગે વિદેશ મંત્રીએ કહ્યું કે, શરૂઆતથી જ અમે પાકિસ્તાનને આ સંદેશ આપ્યો હતો કે, અમે આતંકવાદી માળખા પર હુમલો કરવાના છીએ, સેના પર નહીં. તેમની સેના પાસે બાજુ પર રહેવાનો અને હસ્તક્ષેપ ન કરવાનો વિકલ્પ હતો. તેણે આ સારી સલાહ ન માનવાનો ર્નિણય કર્યો હતો.
વાતચીત ફક્ત આતંકવાદ પર જ થશે
પાકિસ્તાને તણાવ દરમિયાન ભારતને ભારે નુકસાન પહોંચાડવાનો દાવો કર્યો હતો. આ અંગે એસ જયશંકરે કહ્યું કે, ૧૦ મેના રોજ સવારે ભારતની જવાબી કાર્યવાહીમાં તેમને ખૂબ નુકસાન થયું હતું. સેટેલાઇટ છબીઓ દર્શાવે છે કે, આપણે તેમને કેટલું મોટું નુકસાન કર્યું છે, અને તેમણે આપણને કેટલું ઓછું નુકસાન કર્યું છે. ગોળીબાર કોણ રોકવા માંગતું હતું તે સ્પષ્ટ છે. પાકિસ્તાન સાથેના અમારા સંબંધો અને વ્યવહાર સંપૂર્ણપણે દ્વિપક્ષીય રહેશે. આ વાત વર્ષોથી સંમત છે અને તેમાં કોઈ ફેરફાર થયો નથી.
વિદેશ મંત્રીએ કહ્યું કે ,પ્રધાનમંત્રીએ સ્પષ્ટ કરી દીધું છે કે, પાકિસ્તાન સાથે વાતચીત ફક્ત આતંકવાદ પર જ થશે. પાકિસ્તાન પાસે આતંકવાદીઓની યાદી છે, જેમને સોંપવાની જરૂર છે અને તેમણે આતંકવાદી માળખાને બંધ કરવા પડશે. તેઓ જાણે છે કે, શું કરવું. વિદેશ મંત્રીએ કહ્યું કે, અમે તેમની સાથે આતંકવાદ અંગે ચર્ચા કરવા તૈયાર છીએ. આ એવી વાત છે જે શક્ય છે. અમને ખરેખર ઘણો આંતરરાષ્ટ્રીય ટેકો મળ્યો છે. અમારી પાસે UNSC નો ઠરાવ હતો કે, ગુનેગારોને જવાબદાર ઠેરવવા જોઈએ અને ૭ મેના રોજ ઓપરેશન સિંદૂર દ્વારા તેમને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા.