Last Updated on by Sampurna Samachar
ટ્રમ્પે શાવરને લઇ કહી કેટલીક હાસ્યાસ્પદ વાતો
આ નિયમથી પ્રત્યેક ઘરમાં દર વર્ષે લગભગ ૩૮ ડૉલરની બચત થઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ડોનાલ્ડ ટ્રમ્પની ફરિયાદ હતી કે અમેરિકામાં શાવર અને ટોઇલેટમાં પાણીનું દબાણ ઓછું છે, જેના કારણે સ્નાન કરવા અને વાળ ધોવા જેવા કાર્યો મુશ્કેલ બને છે. ઑર્ડર પર સહી કરતી વખતે તેમણે મજાકમાં કહ્યું કે, ‘મારા સુંદર વાળની સારી સંભાળ રાખવા માટે મને સારા સ્નાનની જરૂર છે. પણ મારા વાળ બરાબર ભીના થાય તે માટે મારે ૧૫ મિનિટ શાવર નીચે ઊભા રહેવું પડે છે, કેમ કે શાવરમાંથી પાણી સાવ ધીમેધીમે ટપકે છે. આ કેટલું હાસ્યાસ્પદ કહેવાય!’
પોતાના વાળ પ્રત્યે ટ્રમ્પની સભાનતા નવી નથી. ૨૦૨૦ માં તેમણે કહ્યું હતું કે, ‘તમારું તો મને ખબર નથી, પણ મારા વાળ પરફેક્ટ હોવા જોઈએ.’ ગત વર્ષના ચૂંટણી પ્રચાર દરમિયાન પણ તેઓ એવું બોલ્યા હતા કે, ‘શાવર ધીમા હોવાથી હું મારા વાળ ઝડપથી ધોઈ શકતો નથી.’
શૌચાલય અને સિંક જેવી ઘણી વસ્તુઓ પર લાગુ થશે
વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ર્નિણય લઈને ટ્રમ્પ ઓબામા-બાઈડન યુગ દરમિયાન બનાવેલા કડક નિયમોને દૂર કરીને સામાન્ય અમેરિકન્સને રાહત આપી રહ્યા છે. આ આદેશ શૌચાલય અને સિંક જેવી ઘણી વસ્તુઓ પર પણ લાગુ કરાશે
૨૦૨૦માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડેનના નેતૃત્વ હેઠળના ઉર્જા વિભાગે એક નિયમ લાગુ કર્યો હતો. જેમાં એક મિનિટમાં ૨.૫ ગેલન (૯.૫ લિટર) પાણી છોડતાં આખા શાવર હેડને બદલે ફક્ત નાનું શાવર નોઝલ જ વાપરવાની મંજૂરી આપવામાં આવી હતી. એના અગાઉ ઓબામા વહીવટીતંત્રે બહુવિધ નોઝલ ધરાવતા શાવર ફિક્સર પર રોક લગાવતાં એવો નિયમ લાગુ કર્યો હતો કે જો શાવરમાં ચાર નોઝલ આપેલા હોય તો ચારેયમાંથી કુલ ૨.૫ ગેલનથી વધુ બહાર ન આવવું જોઈએ.
પાણીનો બગાડ ન થાય, ઊર્જા ઓછી વપરાય અને એનું બિલ પણ ઓછું આવે, એવી ગણતરીઓ સાથે આ નિયમો લાગુ કરાયા હતા. એક અંદાજ મુજબ આ નિયમથી પ્રત્યેક ઘરમાં દર વર્ષે લગભગ ૩૮ ડૉલરની બચત થઈ હતી.
અમેરિકન રાજનીતિના નિષ્ણાતો કહે છે કે સ્નાન અને શૌચાલય જેવા મુદ્દાઓ રાષ્ટ્રપતિની પ્રાથમિકતાઓમાં હોય એ હાસ્યાસ્પદ લાગે છે. ટ્રમ્પે અગાઉ બલ્બ અને ડિશવોશર જેવા ઉપકરણો પરના કડક નિયમો પણ ઢીલા કર્યા હતા,
જેને પાછળથી જો બાઈડેન વહીવટીતંત્ર દ્વારા બદલવામાં આવ્યા હતા. હવે ટ્રમ્પ ફરી જૂની સરકારના નિયમો બદલીને જાણે કે સાટું વાળી રહ્યા છે. અમેરિકા તો શાનદાર (ગ્રેટ) બનતા બનશે, પણ અમેરિકાના શાવર ટૂંક સમયમાં ચોક્કસપણે શાનદાર બની જવાના.