Last Updated on by Sampurna Samachar
દેશમાં કોરોનાના વધતાં જતાં કેસથી લોકોની ચિંતા વધી
મહારાષ્ટ્ર, ગુજરાત, ઓડિશા અને કેરળમાં કોરોનાના નવા કેસ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતમાં કોરોનાના સંક્રમણે દસ્તર દીધી છે. ત્યારે કોરોનાના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક અને ગુજરાત જેવા રાજ્યોમાં કોરોના (CORONA) ના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે દેખરેખ અને સાવચેતીના પગલાં વધુ તીવ્ર બનાવ્યા છે. હજુ સુધી કોઈ દર્દીના મૃત્યુની પુષ્ટી થઈ નથી, પરંતુ મુંબઈ, ચેન્નઈ અને અમદાવાદ જેવા શહેરોમાં ચેપના કેસોમાં વધારો નોંધાયો છે.
વાત કરીએ તો હરિયાણાના ગુરુગ્રામ અને ફરીદાબાદમાં કોરોના વાયરસના ત્રણ કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાના ૧૫ નવા કેસ નોંધાયા છે. માહિતી અનુસાર, આરોગ્ય અધિકારીઓએ કહ્યું છે કે ગભરાવાની જરૂર નથી કારણ કે હાલમાં જે વાયરસ ફેલાઈ રહ્યો છે તે ખૂબ ખતરનાક નથી. બધા દર્દીઓને ઘરે સારવાર આપવામાં આવી રહી છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ તમામ ૧૫ દર્દીઓમાં કોરોનાનો JN.1 પ્રકાર જોવા મળ્યો છે.
અઢી વર્ષ બાદ કોરોનાનો નવો કેસ નોંધાયો
ઓડિશામાં લગભગ અઢી વર્ષના સમયગાળા પછી કોવિડ-૧૯નો નવો કેસ નોંધાયો છે. હાલમાં દર્દીની હાલત સ્થિર છે. આ મામલે એક વરિષ્ઠ આરોગ્ય અધિકારીએ આ માહિતી આપી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ સચિવ એસ અશ્વથીએ જણાવ્યું હતું કે, ” દર્દીની સ્થિતિ હાલમાં સ્થિર છે પરંતુ ચિંતાનો વિષય એ છે કે ચેપગ્રસ્ત વ્યક્તિ અન્ય ઘણી બીમારીઓથી પણ પીડિત છે.”
કેરળના આરોગ્ય પ્રધાન વીના જ્યોર્જે જણાવ્યું હતું કે મે મહિનામાં રાજ્યમાં અત્યાર સુધીમાં કોવિડ-૧૯ ના ૧૮૨ કેસ નોંધાયા છે. કોટ્ટાયમ જિલ્લામાં સૌથી વધુ કેસ (૫૭) નોંધાયા હતા, જ્યારે એર્નાકુલમ અને તિરુવનંતપુરમમાં અનુક્રમે ૩૪ અને ૩૦ કેસ નોંધાયા હતા. ત્યારે મહારાષ્ટ્રના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં કોવિડ-૧૯ ચેપના ૨૬ કેસની પુષ્ટી થઈ છે, જેનાથી આ વર્ષે કુલ કેસોની સંખ્યા ૧૩૨ થઈ ગઈ છે.