Last Updated on by Sampurna Samachar
સુપ્રીમ કોર્ટે આ કેસની તપાસ માનવ અધિકાર પંચને સોંપી
આસામ પોલીસે સુપ્રીમ કોર્ટના ચૂકાદાનુ પાલન કર્યુ નહીં
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટે આસામમાં મે ૨૦૨૧ થી ઓગસ્ટ ૨૦૨૨ દરમિયાન થયેલી ૧૭૧ પોલીસ એન્કાઉન્ટર્સ અંગે ચિંતા વ્યક્ત કરીને આ મુદ્દો ‘ખૂબ ગંભીર’ ગણાવ્યો. કોર્ટે જણાવ્યું કે પોલીસ એન્કાઉન્ટરને પડકારતી અરજીઓ ફગાવી ના શકાય.
આ દરમિયાન સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્ય કાંત અને જસ્ટિસ એન. કોટિશ્વર સિંઘની બે જજની બેન્ચે આસામ સરકાર પાસેથી આ એન્કાઉન્ટરની વિગતવાર માહિતી માંગી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી કે, ‘આ ખૂબ જ, ખૂબ જ ગંભીર મુદ્દો છે. ૧૭૧ ઘટના ચિંતાજનક છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે ફેક પોલીસ એન્કાઉન્ટરના દાવાની તપાસ કરવાનો આસામ માનવ અધિકાર પંચને નિર્દેશ કર્યો હતો.
હાઈકોર્ટ આ અરજી ‘પ્રિમેચ્યોર’ ગણીને ફગાવી ચૂકી
આ બેન્ચ અરજદાર આરિફ એમડી યેસીન જવાદ્દર દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી કરી રહી હતી, જેમનું પ્રતિનિધિત્વ એડવોકેટ પ્રશાંત ભૂષણે કર્યું હતું. જાન્યુઆરી ૨૦૨૩માં ગુવાહાટી હાઈકોર્ટે આસામ પોલીસ દ્વારા કરાયેલા એન્કાઉન્ટરને લગતી જનહિત અરજી ફગાવી દીધી હતી. આ કારણસર તેમણે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. આ સુનાવણીમાં ભૂષણે દલીલ કરી કે આસામ પોલીસે સુપ્રીમ કોર્ટના ૨૦૧૪ના ચુકાદામાં આપેલી માર્ગદર્શિકાઓનું પાલન કર્યું નથી. આસામમાં ચોક્કસ સમયગાળામાં આવા અનેક એન્કાઉન્ટર થયા હતા.
ગુવાહાટી હાઈકોર્ટે ઉપરોક્ત અરજી ફગાવતી વખતે આપેલા આદેશમાં આસામ સરકાર દ્વારા રજૂ કરાયેલી એફિડેવિટનો ઉલ્લેખ કર્યો હતો. તેમાં જણાવાયું હતું કે મે ૨૦૨૧ થી ઓગસ્ટ ૨૦૨૨ દરમિયાન ૧૭૧ એન્કાઉન્ટર થયા હતા, જેમાં ૫૬ લોકો મૃત્યુ પામ્યા હતા. એ પૈકી ચાર લોકો પોલીસ કસ્ટડીમાં હતા અને ૧૪૫ લોકોને ઈજા થઈ હતી.
આસામ સરકારના વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે હાઈકોર્ટ આ અરજી ‘પ્રિમેચ્યોર’ ગણીને ફગાવી ચૂકી છે. જોકે, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ‘આવી અરજીઓને પ્રિમેચ્યોર ગણીને ફગાવી ના શકાય.’ આ દરમિયાન પ્રશાંત ભૂષણે દલીલ કરી કે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) અને આસામ માનવ અધિકાર આયોગ બંને પોતાની ફરજો નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે અને આ કેસોમાં કાયદાની યોગ્ય પ્રક્રિયાનું પાલન થયું નથી. સુપ્રીમ કોર્ટે પણ માનવાધિકાર પંચની ભૂમિકાને સંબોધીને ટિપ્પણી કરી કે, ‘નાગરિક સ્વતંત્રતાના મુદ્દામાં સુપ્રીમ કોર્ટ અપેક્ષા રાખે છે કે તમે પોતે જ જવાબદારીપૂર્વક વર્તીને આગળ વધો.’
આ દરમિયાન સુપ્રીમ કોર્ટે તપાસ અંગે રાજ્ય માનવાધિકાર આયોગને આદેશ આપ્યો કે તેઓ અંગ્રેજી અને સ્થાનિક ભાષાઓમાં અખબારોમાં જાહેર નોટિસ આપે, જેથી અસરગ્રસ્ત પરિવારોનો અવાજ સાંભળી શકાય. આ ઉપરાંત રાજ્ય સરકારને કોઈપણ વહીવટી અવરોધો દૂર કરવા તેમજ સંપૂર્ણ ફોરેન્સિક સહાય અને જરૂરી સંસાધનો પૂરા પાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.