Last Updated on by Sampurna Samachar
અમેરિકા અને પશ્ચિમી દેશો માટે કર્યુ ગંદુ કામ , બિલાવલે સ્પષ્ટ કહ્યું
આસિફ અને ભુટ્ટોના નિવેદનથી સત્ય સાબિત થયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
દુનિયા સામે પાકિસ્તાન ભલે પોતાને પાક બતાવવાનો પ્રયાસ કરે, પરંતુ પહેલગામ હુમલા પછી તેનું સત્ય ખુલ્લેઆમ બહાર આવી ગયું છે. પાકિસ્તાનના રાજકારણના બે મોટા ચહેરાઓએ આ વાત સ્વીકારી છે. બિલાવલ ભુટ્ટો અને રક્ષા મંત્રી ખ્વાજા આસિફે પોતે આતંકવાદ અંગે દેશના કાળા સત્યનો પર્દાફાશ કર્યો છે.
બિલાવલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ કોઈ રહસ્ય નથી કે પાકિસ્તાનનો ભૂતકાળ આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલો રહ્યો છે. તેમનું નિવેદન ત્યારે આવ્યું જ્યારે રક્ષા મંત્રી ખ્વાજા આસિફે સ્વીકાર્યું કે પાકિસ્તાન દાયકાઓથી અમેરિકા અને પશ્ચિમી દેશો માટે ગંદુ કામ કરી રહ્યું છે.
પાકિસ્તાન સત્ય સ્વીકારી રહ્યુ છે
બિલાવલ ભુટ્ટોએ એક મીડિયા ઇન્ટરવ્યુમાં કહ્યું કે, મને નથી લાગતું કે આ કોઈ રહસ્ય છે કે પાકિસ્તાનનો એક ભૂતકાળ છે. આપણે આના પરિણામો ભોગવવા પડ્યા છે. આપણે ઉગ્રવાદની ઘણી લહેર જોઈ છે અને તેનો સામનો કરવા માટે આંતરિક સુધારા પણ કર્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, પાકિસ્તાનની આ પ્રવૃત્તિઓ હવે ઇતિહાસનો ભાગ છે અને આજના પાકિસ્તાનનો તેની સાથે કોઈ લેવા-દેવા નથી.
આ પહેલા પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, પાકિસ્તાને લગભગ ત્રણ દાયકા સુધી અમેરિકા અને પશ્ચિમ માટે આતંકવાદ સંબંધિત ગંદા કામ કર્યા છે. તેમણે સ્વીકાર્યું કે, સોવિયત યુદ્ધ અને ૯/૧૧ પછીના યુદ્ધોમાં સામેલ થઈને પાકિસ્તાને ભૂલ કરી હતી અને આજે જે કંઈ પણ કહેવામાં આવી રહ્યું છે તે તેની કિંમત છે. આસિફ અને ભુટ્ટોના આ નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન હવે સત્ય સ્વીકારી રહ્યું છે.
આ નિવેદનો એવા સમયે આવ્યા છે જ્યારે ૨૨ એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. આમાં ૨૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલો પાકિસ્તાનના પ્રતિબંધિત આતંકવાદી સંગઠન દ્વારા કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ભારત-પાકિસ્તાન સંબંધોમાં ઘણી ખળભળાટ મચી ગયો છે.