Last Updated on by Sampurna Samachar
બ્લૂ રિવોલ્યુશન‘માં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી
શ્રીરંગપટના પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કર્ણાટકના મંડ્યા જિલ્લામાં પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અને કૃષિ વિજ્ઞાની ડૉ. સુબન્ના અયપ્પનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. એવું કહેવાય છે કે, તેઓ ૭ મેથી ઘરેથી ગુમ હતા.‘બ્લૂ રિવોલ્યુશન‘ માટે દેશભરમાં જાણીતા થયેલા ડૉ. સુબન્ના અયપ્પનનો મૃતદેહ કાવેરી નદીમાંથી મળી આવ્યો હતો. આ અંગે શ્રીરંગપટના પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.
ડૉ. સુબન્ના અયપ્પનનો જન્મ ચામરાજનગર જિલ્લાના યલંદુરમાં થયો હતો. તેમણે વર્ષ ૧૯૭૫ માં મેંગલોરથી ફિશરીઝમાં ગ્રેજ્યુએશન (BFSC) અને વર્ષ ૧૯૭૭માં ફિશરીઝમાં માસ્ટર ઓફ સાયન્સ (MFSC) કર્યું હતું. આ પછી, ૧૯૯૮માં, તેમણે બેંગ્લોરની કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી મેળવી. ડૉ. સુબન્ના અયપ્પન એક પ્રખ્યાત વિજ્ઞાની હતા જેમણે ‘બ્લૂ રિવોલ્યુશન‘માં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
છેલ્લા ૬ દિવસથી ગુમ હતા
આ માટે તેમને વર્ષ ૨૦૨૨માં પદ્મશ્રી પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા હતા. અયપ્પને માછીમારીની આધુનિક તકનીકો વિકસાવી, જેનાથી લોકોને માછલી ઉછેરની નવી રીતો મળી. આ સાથે તેમણે ખાદ્ય સુરક્ષા પણ મજબૂત કરી. કૃષિ સંશોધન ઉપરાંત, તેમણે ઘણી સંસ્થાઓ પણ બનાવી છે. તેમણે ઇમ્ફાલમાં સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી (CAU) ના વાઇસ ચાન્સેલર તરીકે પણ કામ કર્યું છે.
અહેવાલો અનુસાર, ડૉ. સુબન્ના અયપ્પન તેમની પત્ની સાથે મૈસુરમાં રહેતા હતા. અયપ્પનને બે પુત્રીઓ પણ છે. ડૉ. સુબન્ના અયપ્પન છેલ્લા ૬ દિવસથી ગુમ હતા. શનિવારે, પોલીસને શ્રીરંગપટ્ટણ ખાતે તેમનો મૃતદેહ મળ્યો હતો. આ સાથે જ પોલીસને નદી કિનારે તેમનું સ્કૂટર પણ મળી આવ્યું હતું.