Last Updated on by Sampurna Samachar
૧૫ મે થી ૩૨ એરપોર્ટ પર બંધ વિમાન સેવા શરૂ
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આપી માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓપરેશન સિંદૂર દરમિયાન સલામતીનાં કારણોસર દેશના ઘણાં રાજ્યોમાં બંધ કરવામાં આવેલી વિમાન સેવા ફરી શરૂ થશે તેમ સમાચાર મળી રહ્યા છે. પહલગામમાં ૨૨ એપ્રિલે આતંકી હુમલા બાદ આ મહિને ભારતે તેનો બદલો લેવા શરૂ કરેલા ઓપરેશન સિંદૂરને પગલે સરહદી રાજ્યો સહિત કેટલાક અગત્યના એરપોર્ટ (AIRPORT) સલામતીનાં કારણોસર બંધ કરવામાં આવ્યાં હતા.
જોકે, પાકિસ્તાને ઘૂંટણીયે પડીને શસ્ત્ર વિરામની વિનંતી કર્યા બાદ સ્થિતિ સામાન્ય બની રહી છે. જેને પગલે હવે નાગરિક વિમાનો પણ શરૂ કરવામાં આવી રહ્યા છે. આ અંગે ભારત સરકાર દ્વારા જારી સત્તાવાર નિવેદન મુજબ, ૧૫ મે ૨૦૨૫ના રોજ સવારે ૫:૨૯ વાગ્યા સુધી ૩૨ એરપોર્ટ પર મૂકવામાં આવેલો નાગરિક વિમાન સંચાલન પરનો કામચલાઉ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો છે. આ એરપોર્ટ હવે તાત્કાલિક અસરથી નાગરિક વિમાન સંચાલન માટે ઉપલબ્ધ છે.
આ સંદર્ભે એક નોટિસ ટુ એરમેન જારી કરાયું
જમ્મુ-કાશ્મીરમાં ગયા મહિને આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે ઉત્તર અને પશ્ચિમ ભારતના ૩૨ એરપોર્ટને બંધ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે તે તાત્કાલિક અસરથી ફરીથી ખોલવામાં આવ્યા છે. આ સંદર્ભે એક નોટમ (નોટિસ ટુ એરમેન) જારી કરવામાં આવ્યું છે. આ સાથે ૨૫ એર રૂટ્સ પણ ફરીથી શરૂ કરવામાં આવ્યા છે.
પાંચ દિવસ પહેલાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) અને અન્ય ઉડ્ડયન નિયામકોએ ભારતના સરહદી વિસ્તારોમાં આવેલાં ૩૨ એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરવા માટે નોટમ જારી કર્યું હતું. વાસ્તવમાં ઉડાનોને પરિચાલન કારણોસર સ્થગિત કરવામાં આવી હતી. જે ૯ મે થી ૧૫ મે સુધી અમલમાં હતી. હવે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જણાવ્યું છે કે અસ્થાયી રૂપે બંધ કરાયેલા એરપોર્ટને તાત્કાલિક અસરથી ખોલી દેવામાં આવ્યા છે.
અગાઉ અસ્થાયી રૂપે બંધ કરાયેલા એરપોર્ટમાં ચંદીગઢ, શ્રીનગર, અમૃતસર, લુધિયાણા, ભુંટર, કિશનગઢ, પટિયાલા, શિમલા, ધર્મશાલા અને ભટિંડા જેવા મહત્વના એરપોર્ટનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત, જેસલમેર, જોધપુર, લેહ, બિકાનેર, પઠાણકોટ, જમ્મુ, જામનગર અને ભુજ જેવા વ્યૂહાત્મક રીતે મહત્વના સ્થળોના એરપોર્ટ પણ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા હતા.