Last Updated on by Sampurna Samachar
૧૯ વર્ષથી વિશ્વના સૌથી શાંતિપૂર્ણ દેશમાં આઇસલેન્ડ પ્રથમ
પાકિસ્તાન અને અમેરિકા ભારતથી પાછળ
(સંપૂર્ણ સમાચાર સેવા)
વૈશ્વિક સ્તરે વધી રહેલા યુદ્ધો અને સૈન્ય સંઘર્ષોની વચ્ચે દુનિયાના સૌથી શાંતિપૂર્ણ દેશોને લઈને એક નવો રિપોર્ટ જાહેર થયો છે. આ યાદી અનુસાર, વિશ્વના શક્તિશાળી દેશો જેવા કે અમેરિકા, રશિયા, ઇઝરાયેલ અને ઈરાનની સરખામણીએ ભારત ઘણો શાંતિપૂર્ણ દેશ સાબિત થયો છે.

વાત કરીએ તો પાકિસ્તાન શાંતિની આ યાદીમાં ભારત કરતાં ઘણું પાછળ છે. જોકે, ગયા વર્ષની સરખામણીમાં ભારતના પોતાના રેન્કિંગમાં થોડો ઘટાડો નોંધાયો છે. વર્ષ ૨૦૨૫ માં ભારત ૧૨૪ માં સ્થાન પર હતું, જે આ વર્ષે ઘટીને ૧૨૭ માં સ્થાન પર પહોંચી ગયું છે.
યુદ્ધના મેદાનમાં ઉતરેલું રશિયા સૌથી નીચલા સ્તરે
વિશ્વભરમાં શાંતિની સ્થિતિ પર નજર રાખતી સંસ્થા ‘ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ‘ના અહેવાલ મુજબ, આ સર્વેમાં ભારતનો સ્કોર ૨.૪૦૯ રહ્યો છે, અને ભારત વૈશ્વિક સ્તરે ૧૨૭માં ક્રમે છે. આ યાદીમાં યુરોપનો નાનો દેશ આઇસલેન્ડ ૧૧૬૧ના સ્કોર સાથે દુનિયાનો સૌથી શાંતિપ્રિય દેશ બન્યો છે. આઇસલેન્ડ સતત છેલ્લા ૧૯ વર્ષથી વિશ્વના સૌથી શાંતિપૂર્ણ દેશ તરીકે પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે.
રિપોર્ટ અનુસાર, હાલના દિવસોમાં મહાસત્તાઓ વચ્ચેના યુદ્ધોને કારણે વૈશ્વિક સ્તરે અશાંતિમાં મોટો વધારો થયો છે. વૈશ્વિક શાંતિ સૂચકાંકમાં અમેરિકા ૨૫૩૫ ના સ્કોર સાથે ૧૩૪ માં સ્થાન પર ફેંકાઈ ગયું છે, જ્યારે વેનેઝુએલા ૧૩૩માં સ્થાન પર છે. મિડલ ઈસ્ટના યુદ્ધોમાં સીધું સંડોવાયેલું ઈરાન આ યાદીમાં ૧૪૪માં સ્થાને છે.
અહેવાલ અનુસાર, વર્ષ ૨૦૨૫ માં અમેરિકા ૧૩૦માં સ્થાને હતું, પરંતુ વિવિધ આંતરરાષ્ટ્રીય સંઘર્ષો અને યુદ્ધોમાં તેની સીધી લશ્કરી ભાગીદારીને કારણે તેના રેન્કિંગમાં મોટો કડાકો બોલાયો છે. બીજી તરફ, આર્થિક અને રાજકીય કટોકટીનો સામનો કરી રહેલું પાકિસ્તાન ૧૫૨માં સ્થાન પર છે. છેલ્લા ૧ વર્ષમાં પાકિસ્તાનનું રેન્કિંગ ૬ સ્થાન નીચે ખસક્યું છે, જે વર્ષ ૨૦૨૫માં ૧૪૬માં ક્રમે હતું. આ દર્શાવે છે કે, પાકિસ્તાનની આંતરિક અને બાહ્ય સ્થિતિ પહેલા કરતાં વધુ અશાંત બની છે. આ યાદીમાં તુર્કીએ પોતાની સ્થિતિ સુધારી છે, અને તે ૧૩૬માં સ્થાને પહોંચ્યું છે, જ્યારે યુદ્ધના મેદાનમાં ઉતરેલું રશિયા આ યાદીમાં સૌથી નીચેના સ્તરે છે. જો દક્ષિણ એશિયાના ક્ષેત્રની વાત કરીએ તો,
ભૂતાન આ ક્ષેત્રનો સૌથી શાંતિપૂર્ણ દેશ છે. તે પછી અનુક્રમે શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશનો નંબર આવે છે. આ યાદીમાં ભારત પછી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનો ક્રમ આવે છે.
ઇસ્લામિક અને ખાડી દેશોની વાત કરીએ તો, કતાર વિશ્વનો સૌથી શાંત મુસ્લિમ દેશ બન્યો છે, જે વૈશ્વિક સ્તરે ૩૧માં સ્થાને છે. આ સિવાય કુવૈત ૪૯માં અને ઓમાન ૬૦માં નંબર પર છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધો છતાં ઇઝરાયેલના રેન્કિંગમાં થોડો સુધારો નોંધાયો છે, તેમ છતાં તે ૧૬૦ માં સ્થાને છે.
તમને જણાવી દઈએ કે, ગ્લોબલ પીસ ઇન્ડેક્સ દર વર્ષે જાહેર કરવામાં આવે છે, જેમાં દેશના આંતરિક અને બાહ્ય સંઘર્ષો, સૈન્યીકરણ, હિંસા, અપરાધ દર અને લોકશાહી સાથે જોડાયેલા ૨૩ જેટલા ગુણાત્મક અને જથ્થાત્મક સૂચકાંકોને ધ્યાનમાં રાખીને રેન્કિંગ આપવામાં આવે છે.