Last Updated on by Sampurna Samachar
કર્નલ સોફિયા કુરૈશી ટિપ્પણી કરવાના મામલે મંત્રીએ માફી માંગી
વિજય શાહ વિરૂદ્ધ નોંધાયેલી FIR આટલી નબળી કેમ ?
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓપરેશન સિંદૂર વિશે બ્રીફ આપનારા કર્નલ સોફિયા કુરૈશી પર ટિપ્પણી કરનાર મધ્યપ્રદેશના વન મંત્રી વિજય શાહની મુશ્કેલી વધી છે. મળતી માહિતી મુજબ વિજય શાહ મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા FIR નોંધવાના આદેશને પડકારવા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતાં. જ્યાં સુપ્રીમ કોર્ટે પણ ઝાટકણી કાઢી છે.
ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયાના નેતૃત્વ હેઠળની બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. CJI એ વિજય શાહના નિવેદન પર નારાજગી વ્યક્ત હાઈકોર્ટના આદેશ પર રોક મૂકવાનો ઈનકાર કરતાં કહ્યું કે, આ મામલે હવે પછી સુનાવણી કરીશું. પણ આવા સમયે આ પ્રકારની ટીપ્પણી કરવાની શું જરૂર હતી. મંત્રી પદ પર બેઠેલા વ્યક્તિ પાસેથી આ પ્રકારના નિવેદનની અપેક્ષા કરી શકાય નહીં. થોડું તો જવાબદારી સાથે બોલો.
મધ્યપ્રદેશ હાઈકોર્ટે ફરી પોલીસની ઝાટકણી કાઢી
સુપ્રીમ કોર્ટે વિજય શાહ (VIJAY SHAH) ના કેસમાં હાઈકોર્ટના આદેશ પર કોઈ હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કર્યો છે. માફી માંગવા પણ આદેશ આપ્યો છે. બીજી તરફ મધ્યપ્રદેશ હાઈકોર્ટે ફરી આ મામલે પોલીસની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે કહ્યું કે, વિજય શાહ વિરૂદ્ધ નોંધાયેલી FIR આટલી નબળી કેમ છે ? તમે કોઈપણ દબાણ વિના તપાસ કરો.
FIR માં સંપૂર્ણ આદેશને સામેલ કરી ફરીથી વ્યવસ્થિત લખો. જસ્ટિસ અતુલ શ્રીધરન અને જસ્ટિસ અનુરાધા શુક્લાની બેન્ચે મંત્રી વિરૂદ્ધ FIR નોંધવા આદેશ આપ્યો હતો. જેના પર થયેલી સુનાવણી પર પોલીસની FIR પર વાંધો ઉઠાવતાં તેને ફરીથી લખવા આદેશ આપ્યો છે. ઓપરેશન સિંદૂર પર નિવેદન આપતી વખતે વિજય શાહની જીભ લપસી હતી અને તેમણે નિવેદન આપ્યું હતું કે, ‘જે લોકોએ અમારી દિકરીઓને વિધવા બનાવી છે, તેમને પાઠ ભણાવવા કર્નલ સોફિયા માટે અમે તેમની બહેન મોકલી છે.’ આ નિવેદનથી ભારે હોબાળો મચ્યો હતો. તેમજ તુરંત માફીની સાથે શાહ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવાની માંગ ઉભી થઈ હતી.
કર્નલ સોફિયા કુરૈશી પર કથિત આપત્તિજનક ટીપ્પણી કરવા બદલ મંત્રી વિજય શાહ વિરૂદ્ધ નોંધાયેલા કેસમાં મધ્યપ્રદેશની હાઈકોર્ટે FIR નોંધવા આદેશ આપ્યો હતો. ઈન્દોર જિલ્લામાં FIR નોંધાઈ હતી. મંત્રી વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની ૧૫૨, ૧૯૬(૧) (B) અને ૧૯૭ (૧)(C) હેઠળ ફરિયાદ નોંધાઈ હતી.
મંત્રીનો વીડિયો વાઈરલ થતાં રાજકારણમાં ખળભળાટ મચ્યો હતો. દેશભરમાં પણ તેઓ વિવાદમાં મુકાતા રાજીનામાની માંગ ઉભી કરાઈ હતી. વિવાદ વધતાં મંત્રીએ વીડિયો રજૂ કરી માફી માંગી હતી. તેમજ સોફિયા કુરૈશીને પોતાની બહેન ગણાવી હતી.
તેમણે કહ્યું કે, મેં જે નિવેદન આપ્યું તેનાથી કોઈપણ સમાજ કે કોઈપણ વ્યક્તિની લાગણી દુભાઈ હોય તો તેના માટે હું ક્ષમા માંગુ છું. હું અત્યંત દુ:ખી પણ છું. આપણા દેશની બહેન સોફિયા કુરૈશીએ રાષ્ટ્ર ધર્મ નિભાવતા જાતિ અને સમાજથી ઉપર કામ કર્યં છે. હું હંમેશા બહેન સોફિયા અને આપણી સેનાના તમામ વીરોનું સન્માન કરુ છું. ફરી એકવાર હાથ જોડી માફી માંગુ છું.