Last Updated on by Sampurna Samachar
૨૧ હજાર કરોડનું ડ્રગ્સ વેચીને ફંડિંગનો આરોપ
કન્ટેનર અફઘાનિસ્તાનથી ઈરાન થઈને મુન્દ્રા બંદર પર પહોંચ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટે મુન્દ્રા બંદર પર ડ્રગ્સની તસ્કરી મામલે ધરપકડ કરાયેલા એક બિઝનેસમેનની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે તેની જામીન અરજી ફગાવી દેતા તેને ૬ મહિના પછી જામીન માટે કોર્ટમાં જવાની મંજૂરી આપી છે. આ કેસ ૨૧,૦૦૦ કરોડ રૂપિયાના ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલો છે. આ કેસમાં દિલ્હીના એક બિઝનેસમેન હરપ્રીત તલવાર સિંહની ધરપકડ કરાઈ હતી, જેની અરજી કોર્ટે ફગાવી દીધી છે.
જોકે જસ્ટિસ સૂર્યકાંત અને એન. કોટિશ્વર સિંહની બેન્ચે આરોપી હરપ્રીત સિંહ તલવાર ઉર્ફે કબીર તલવારને ૬ મહિના પછી જામીન માટે કોર્ટમાં જવાની મંજૂરી આપી છે. ખંડપીઠે હરપ્રીત તલવાર સામે આતંકવાદી ભંડોળના આરોપને પાયાવિહોણો ગણાવ્યો અને વિશેષ કોર્ટને કેસની સુનાવણી ઝડપી બનાવવા માટે મહિનામાં બે વાર કેસને સૂચિબદ્ધ કરવાનો નિર્દેશ આપ્યો છે. ૨૩ એપ્રિલ ૨૦૨૫ના રોજ સુપ્રીમ કોર્ટે જામીન અરજી પર પોતાનો ચુકાદો રિઝર્વ રાખ્યો હતો.
અફઘાન નાગરિકો સહિત અનેક લોકોની ધરપકડ
આ પહેલા રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ કહ્યું હતું કે વેચાણમાંથી મળેલી રકમનો ઉપયોગ લશ્કર-એ-તૈયબાની આતંકવાદી ગતિવિધિમાં નાણાં પૂરા પાડવા માટે કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય રાજધાનીમાં કેટલીક ક્લબ ચલાવતા હરપ્રીત તલવારની એજન્સી દ્વારા ઓગસ્ટ ૨૦૨૨માં ધરપકડ કરવામાં આવી હતી.
મુન્દ્રા બંદર પર ૨૧,૦૦૦ કરોડ રૂપિયાની ડ્રગ્સની તસ્કરીને દેશની સૌથી મોટી ડ્રગ્સની તસ્કરી માનવામાં આવે છે. ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ કેટલાક કન્ટેનર અફઘાનિસ્તાનથી ઈરાન થઈને મુન્દ્રા બંદર પર પહોંચ્યા હતા, જેમાં સેમી-પ્રોસેસ્ડ ટેલ્ક પથ્થરોથી ભરેલી બેગ હતી.
ગુપ્ત માહિતીના આધારે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ કન્ટેઈનરની તપાસ કરતા તેમાંથી ૨૧,૦૦૦ કરોડ રૂપિયાની કિંમતનું ૨૯૮૮.૨૧ કિલો હેરોઈન મળી આવ્યું હતું. તપાસ અધિકારીઓને પાછળથી જાણવા મળ્યું કે, આ છઠ્ઠો અને છેલ્લો કન્સાઈનમેન્ટ હતો જે અટકાવવામાં આવ્યો હતો. આ કેસના સંબંધમાં અફઘાન નાગરિકો સહિત અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી.