Last Updated on by Sampurna Samachar
નવું ભારત આતંકવાદીઓને શોધી કાઢશે
PM મોદી અને આપણી બહાદુર સેનાના નેતૃત્વના ખૂબ આભારી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયો છે. સરહદી જિલ્લાઓમાં સતત શાંતિ જોવા મળી રહી છે. ત્યારે ઓપરેશન સિંદૂર ચલાવીને, ભારતે પાકિસ્તાન અને તેના આતંકવાદી સંગઠનોને એક એવો પાઠ શીખવ્યો છે જે તેઓ લાંબા સમય સુધી યાદ રાખશે. આ વચ્ચે હવે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ આ સમગ્ર ઘટના પર મોટું નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રી હિમંતાએ કહ્યું છે કે ઓપરેશન સિંદૂર (SINDUR) એ સાબિત કર્યું છે કે નવું ભારત આતંકવાદીઓને શોધી કાઢશે અને તેમને મારી નાખશે.
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ પાકિસ્તાની સૈન્ય અને આતંકવાદી છાવણીઓનો નાશ કરવા બદલ ભારતીય સશસ્ત્ર દળોની પ્રશંસા કરી હતી. તેમજ મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી અને કહ્યું કે PM મોદી પરિપક્વતા સાથે વિશ્વની સૌથી જૂની સભ્યતાનું નેતૃત્વ કરી રહ્યા છે. ભાજપના કાર્યકરોને વૈશ્વિક શક્તિ તરીકે ભારતની ઉભરતી ભૂમિકા વિશે લોકોને જાગૃત કરવા વિનંતી કરી છે.
ઓપરેશન સિંદૂરમાં ૧૦૦ થી વધુ આતંકીઓ માર્યા
આસામના CM હિમંતા બિસ્વા શર્માએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું- “ મેં થોડા સમય પહેલા આપણા DMGO દ્વારા કરવામાં આવેલી એક અદ્ભુત બ્રીફિંગ જોઈ. અમે PM મોદી અને આપણી બહાદુર સેનાના નેતૃત્વના ખૂબ આભારી છીએ. ભારતે પુરાવા સાથે સાબિત કર્યું છે કે ઓપરેશન સિંદૂરમાં ૧૦૦ થી વધુ પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા છે. આપણા દુશ્મનના મહત્ત્વપૂર્ણ લશ્કરી અને આતંકવાદી માળખાને પણ નુકસાન થયું છે.”
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કહ્યું, “સૌથી ઉપર, ઓપરેશન સિંદૂરએ એક મજબૂત સંદેશ આપ્યો છે કે નવું ભારત વિશ્વના દરેક ખૂણામાં આતંકવાદીઓને શોધી કાઢશે અને ખતમ કરશે, પછી ભલે તેઓ જમીન પર, હવામાં કે સમુદ્રમાં ગમે ત્યાં છુપાયેલા હોય”