સીરિયાની પરિસ્થિતિ આતંકવાદને કારણે વધુ ખરાબ થઈ ગઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર સિરીયાના મણબીજ શહેરના બહારના વિસ્તારમાં ભીષણ બોમ્બ બ્લાસ્ટ થયાના સમાચાર સામે આવ્યા છે. આ બ્લાસ્ટ ખેત મજૂરોને લઈને જઈ રહેલા એક વાહન પાસે જ થયો હતો. આ બ્લાસ્ટ એક ગાડીમાં થયો હતો અને જેમાં ઓછામાં ઓછા ૧૫ લોકોના મૃત્યુ થયાની આશંકા છે તો ડઝન લોકો ઘાયલ થયા છે. સ્થાનિક નાગરિક સુરક્ષા સંસ્થાએ આ વિશે જાણકરી આપી છે.
ડિસેમ્બરમાં બશર અલ-અસદને પદભ્રષ્ટ કર્યા પછી ઉત્તરપૂર્વીય અલેપ્પો પ્રાંતમાં આવેલું મણબીજ હિંસાનું કેન્દ્ર રહ્યું છે. સીરિયન નેશનલ આર્મી તરીકે ઓળખાતા તુર્કી સમર્થિત જૂથો યુએસ સમર્થિત કુર્દિશ નેતૃત્વ હેઠળના સીરિયન ડેમોક્રેટિક ફોર્સિસ સાથે અથડામણ ચાલુ રાખે છે.
સીરિયાની પરિસ્થિતિ આતંકવાદને કારણે વધુ ખરાબ થઈ ગઈ છે. આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટનો પ્રભાવ પહેલાની સરખામણીમાં ઓછો થયો છે, પરંતુ હજુ પણ આતંકવાદી પ્રવૃત્તિઓનો અંત આવ્યો નથી. સીરિયામાં આતંકવાદી હુમલાના કિસ્સાઓ વારંવાર જાેવા મળે છે.
ગયા વર્ષે નવેમ્બર મહિનામાં, સીરિયાના દક્ષિણમાં દારા પ્રાંતના મહાજા શહેરમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ રસ્તાની બાજુમાં થયો હતો. આ બોમ્બ વિસ્ફોટમાં ત્રણ લોકો માર્યા ગયા હતા. દારા પહેલા, ઉત્તરી સીરિયાના શહેર અઝાઝ પ્રાંતમાં એક બોમ્બ વિસ્ફોટ થયો હતો. બજારમાં થયેલા આ બોમ્બ વિસ્ફોટમાં ૮ લોકો માર્યા ગયા હતા અને ૨૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા.