Last Updated on by Sampurna Samachar
અત્યાર સુધીનો સૌથી મોટો અને સૌથી કડક પ્રતિબંધ
યુરોપીયન યુનિયન મોટુ પગલુ ભરવા જઇ રહ્યુ છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે યુરોપીયન યુનિયન હવે રશિયાને આર્થિક રીતે નબળું પાડવા માટે એક બહુ મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. રશિયાની યુદ્ધની કમાણી અને તેની આર્થિક શક્તિને તોડવા માટે ૨૧મા પ્રતિબંધ પેકેજનો નવો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. આ નવા આકરા નિયમોની સીધી અસર ભારતની કેટલીક કંપનીઓ પર પણ પડી શકે તેમ છે.

આક્ષેપ છે કે ભારત, ચીન અને UAE સહિત ૬ દેશોની આશરે ૫૦ જેટલી કંપનીઓ રશિયાને આડકતરી રીતે મદદ કરી રહી છે, જેથી યુરોપીયન યુનિયન હવે આ કંપનીઓ પર નિકાસ પ્રતિબંધ લાદવાની તૈયારીમાં છે.
૨ દરિયાઈ બંદરો અને ૪ ઍરપૉર્ટ પર પણ ટ્રાન્ઝેક્શન બૅનની દરખાસ્ત
યુરોપીયન કમિશનના વાઇસ પ્રેસિડેન્ટ કાજા કલાસે આ અંગે જણાવ્યું છે કે, બ્રસેલ્સ છેલ્લા બે વર્ષમાં રશિયા વિરુદ્ધ આ અત્યાર સુધીનો સૌથી મોટો અને સૌથી કડક પ્રતિબંધ લગાવવા જઈ રહ્યું છે. જોકે, આ નિયમોને સત્તાવાર રીતે લાગુ કરતાં પહેલાં યુરોપીયન સંઘના તમામ સભ્ય દેશો સાથે તેની ચર્ચા કરવામાં આવશે અને તેમની મંજૂરી લેવામાં આવશે. આ નવા પ્રતિબંધ પેકેજનો મુખ્ય વ્યૂહાત્મક હેતુ રશિયાના સૈન્ય-ઔદ્યોગિક માળખાને નબળો પાડવાનો અને યુદ્ધ માટે થઈ રહેલા ફંડિંગને અટકાવવાનો છે.
એક્સપોર્ટ બૅનનો સામનો કરી રહેલી ૫૦ કંપનીઓની યાદીમાં ભારત ઉપરાંત ચીન, તુર્કિયે, કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન અને સંયુક્ત આરબ અમીરાત જેવા દેશોની કંપનીઓ સામેલ છે. આ ઉપરાંત, ડ્રોન મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલી ૩૦થી વધુ નવી સંસ્થાઓ અને કંપનીઓને પણ આ બ્લેકલિસ્ટમાં ઉમેરવામાં આવી છે.
રશિયાને વર્તમાન પ્રતિબંધોમાંથી બચવામાં મદદ કરનારા દેશોની બૅંકો, હથિયાર બનાવતી કંપનીઓ, ઓઇલ ટ્રેડર્સ, રિફાઇનરીઓ અને ક્રિપ્ટો ઓપરેટરોને આ પ્રસ્તાવમાં સીધા નિશાન બનાવવામાં આવ્યા છે. અંદાજે ૯૦ જેટલી બૅંકોની અસ્કયામતો ફ્રીઝ કરવામાં આવી શકે છે. આ સિવાય, રશિયા અને અન્ય દેશોની ૩૦થી વધુ બૅંકોના ટ્રાન્ઝેક્શન પર કડક નજર રાખવામાં આવશે. આ પેકેજ અંતર્ગત ૧૧ જેટલા ક્રિપ્ટોકરન્સી પ્લેટફોર્મ્સ દ્વારા થતાં નાણાકીય વ્યવહારો પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની તૈયારી છે.
રશિયાને આર્થિક મોરચે ઘેરવા માટે યુરોપીયન સંઘે તેના એનર્જી રેવેન્યુ (ઊર્જા આવક) પર મોટો પ્રહાર કર્યો છે. ક્રૂડ ઓઇલ અને લિક્વિફાઇડ નેચરલ ગેસ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ પર પહેલા કરતાં વધુ કડક નિયંત્રણો લાદવામાં આવશે. રશિયાના ‘શેડો ફ્લીટ’ સાથે જોડાયેલા અન્ય ૩૦ જહાજો પર પણ પ્રતિબંધનો પ્રસ્તાવ છે. સાથોસાથ, રશિયાના ૨ દરિયાઈ બંદરો અને ૪ ઍરપૉર્ટ પર પણ ટ્રાન્ઝેક્શન બૅન લગાવવાની દરખાસ્ત મૂકવામાં આવી છે.