Last Updated on by Sampurna Samachar
બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મરે કરી જાહેરાત
બાળકો પર સોશિયલ મીડિયાની નકારાત્મક અસરો વધી રહી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મરે દેશના બાળકોની “ખુશી અને ભવિષ્યની સલામતી” સુનિશ્ચિત કરવા માટે એક ઐતિહાસિક અને અત્યંત મહત્વનો ર્નિણય લીધો છે. લંડનના ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટથી દેશને સંબોધિત કરતી વખતે પીએમ સ્ટાર્મરે જાહેરાત કરી કે, યુકેમાં હવેથી ૧૬ વર્ષથી ઓછી ઉંમરના તમામ બાળકો માટે સોશિયલ મીડિયા એપ્લિકેશન્સનો ઉપયોગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે.

તેમણે સ્પષ્ટ કર્યું કે, એક વડા પ્રધાન હોવાની સાથે-સાથે નાના બાળકોના પિતા તરીકે પણ તેમને આ ર્નિણય લેવો યોગ્ય લાગ્યો છે, કારણ કે આજના સમયમાં બાળકો પર સોશિયલ મીડિયાની નકારાત્મક અસરો સતત વધી રહી છે.
યુરોપ સહિતના ઘણા દેશોએ પ્રશંસા કરી
વડાપ્રધાન કીર સ્ટાર્મરે સ્વીકાર્યું કે વિશ્વની કેટલીક સૌથી મોટી ટેક કંપનીઓ સામે આ પ્રકારના કડક નિયમો લાગુ કરવા બિલકુલ સરળ નથી. ઘણી મોટી કંપનીઓ આ ર્નિણયને પાછો ખેંચવા માટે સરકાર પર દબાણ પણ લાવી રહી છે, પરંતુ બાળકોનું સ્વાસ્થ્ય અને તેમનું સુખાકારી સરકાર માટે સર્વોપરી છે અને આ નિયમ કોઈપણ ભોગે દેશમાં લાગુ કરવામાં આવશે.
પીએમ સ્ટાર્મરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ર્નિણયની માહિતી શેર કરતા લખ્યું કે, દેશના મોટાભાગના માતા-પિતાએ તેમને ફરિયાદ કરી હતી કે તેમના બાળકો સ્માર્ટફોનના વ્યસની બની ગયા છે. તેમણે ઉમેર્યું, “આજે બાળકોને એક એવી દુનિયામાં જીવવું પડી રહ્યું છે જ્યાં ટેકનોલોજી તેમના જીવનના દરેક પાસામાં દખલ કરી રહી છે. હું આ સ્થિતિને વધુ સમય સુધી ચાલુ રાખવા દઈ શકું નહીં. આ ર્નિણય દ્વારા અમે બાળકોને તેમનું બાળપણ પાછું આપવા જઈ રહ્યા છીએ.”
આ પ્રતિબંધને સફળ બનાવવા માટે બ્રિટિશ સરકારે તાજેતરમાં જ ટેક કંપનીઓ પર દબાણ વધાર્યું છે અને તેમને અનેક નવા નિયમોનું પાલન કરવા જણાવ્યું છે. સરકારે આ કંપનીઓને યૂઝર્સની ઉંમરની સચોટ ચકાસણી કરવા અને તેમના અલ્ગોરિધમમાં તાત્કાલિક ફેરફાર કરવાના આદેશ આપ્યા છે. આ ઉપરાંત, બાળકોને પોર્નોગ્રાફી જેવી આપત્તિજનક સામગ્રીથી બચાવવા માટે પણ નવા પગલાં લેવા જણાવાયું છે. સરકાર માત્ર સોશિયલ મીડિયા જ નહીં, પરંતુ ઓનલાઈન ગેમિંગ અને વિડીયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર થતા લાઈવ સ્ટ્રીમિંગ પર પણ પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બાળકોને સોશિયલ મીડિયાના જોખમોથી બચાવવા માટે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાએ પણ કિશોરો અને બાળકો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેની યુરોપ સહિતના ઘણા દેશોએ પ્રશંસા કરી હતી.
આ સિવાય તાજેતરમાં જ કેનેડાએ પણ જાહેરાત કરી છે કે તે સોશિયલ મીડિયા સંબંધિત તેના નિયમોમાં મોટો ફેરફાર કરીને બાળકોના ઓનલાઈન વપરાશ પર નિયંત્રણ લાવશે. હવે બ્રિટને પણ આ દિશામાં મોટું પગલું ભરી દીધું છે.