Last Updated on by Sampurna Samachar
ઈરાન અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવે છે સૂકામેવા
સપ્લાય ઓછી અને માંગ વધુ હોવાના કારણે ભાવ વધ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત – પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી સ્થિતિની અસર તમામ ક્ષેત્ર પર પડી રહી છે. ત્યારે આમાં ડ્રાયફ્રુટ પર તેની અસર પડી હોય તેમ જણાઇ રહ્યુ છે. વાત કરીએ તો બજારોમાં કાજુ અને બદામની ખરીદી માટે આવેલા ગ્રાહકો હવે ભાવો સાંભળીને અચંબિત થઈ જાય છે. છેલ્લા એક મહિનામાં સૂકા મેવાના ભાવમાં ૧૦ થી ૧૫ ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે સતત વધતા તણાવ અને અથડામણની પરિસ્થિતિએ માત્ર સૈન્ય અને રાજકીય સ્તરે જ નહીં, પણ બજારમાં પણ અસર જોવા મળી રહી છે. ખાસ કરીને ડ્રાયફ્રૂટ (DRYFRUIT) માર્કેટ પર એનો સીધો પડઘો પડ્યો છે. આ અંગે શહેરના જાણીતા ડ્રાયફ્રૂટ વેપારીએ જણાવ્યું કે, “અત્યારે કાજુ અને બદામના ભાવમાં વધારો જોવા મળ્યો છે. કારણ કે ઈરાન અને અફઘાનિસ્તાનથી જે ડ્રાયફ્રુટ આવે છે તે વાયા પાકિસ્તાન થઈને વાઘા બોર્ડર મારફતે જ આવે છે. ત્યારે આ બોર્ડર બંધ થતાં સપ્લાય અટક્યો છે જેથી ભાવમાં વધારો જોવા મળ્યો છે.”
ડ્રાયફ્રુટને મામલે ભારતમાં સારી એવી ખેતી થઈ રહી છે
ભાવ વધારા અંગે તેમણે જણાવ્યું કે, “ખાસ કરીને અત્યારે કિસમિસ, જરદાલુ, કાજુ, બદામ અને અંજીરના ભાવમાં વધારો છે. અગાઉ જે કાજુ ૮૦૦ કિલો મળતો હતો તે હવે ૯૫૦ થી૧૧૦૦ સુધી પહોંચી ગયો છે. બદામ પણ ૭૫૦ માંથી હવે ૯૦૦ સુધી ગયા છે. આફ્રિકા અને વિયેતનામમાંથી કાજુની ઈમ્પોર્ટ મોડી પડી છે.”
બીજી તરફ લોકોમાં આરોગ્ય માટે સૂકા મેવાની માંગ વધી રહી છે. સપ્લાય ઓછી અને માંગ વધુ હોવાના કારણે અત્યારે ડ્રાયફ્રુટના ભાવમાં વધારો જોવા મળ્યો છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાંથી આવતા અખરોટ, પિસ્તા અને અંજીર જેવી ચીજવસ્તુઓનો સ્ટોક ઘટી ગયો છે. જો એ તરફથી સપ્લાય અટકે, તો નેચરલી ભાવ ઊંચા જશે. જોકે અત્યારે આપણા દેશમાં આગામી ૬ મહિના સુધી ચાલે એટલો ડ્રાયફ્રુટનો સ્ટોક છે. પરંતુ જો પરિસ્થિતિ આવીને આવી રહે તો શું થાય ? એવા ડરથી વેપારીઓ એકબીજાને માલ વેચવાનું જોખમ લેવા ઈચ્છતા નથી.
વેપારીના જણાવ્યા અનુસાર , ” હવે તો અફઘાનની જ કિસમિસ નહીં પણ ભારતમાંથી આવતી કિસમિસ પણ ખુબ સારી હોય છે એટલે કે ધીમે ધીમે ડ્રાયફ્રુટને મામલે ભારતમાં સારી એવી ખેતી થઈ રહી છે. જેથી લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. ભાવ વધશે તો પણ ૧૦-૧૨ ટકા વધશે.”