Last Updated on by Sampurna Samachar
ભારતની સહનશીલતાની એક મર્યાદા છે
ઓપરેશન સિંદૂરથી ભારતે એક નવી લક્ષ્મણ રેખા બનાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને પાકિસ્તાનના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ જનરલ સાહિર શમશાદ મિર્ઝાએ સિંગાપોરમાં શાંગરી-લા ડાયલૉગના અનેક સેશનમાં ભાગ લેતાં ભારત-પાકિસ્તાન તંગદિલી વચ્ચે એક-બીજાને ખુલ્લેઆમ ચેતવણી આપી છે. જેમાં જનરલ અનિલ ચૌહાણે જણાવ્યું કે, ઓપરેશન સિંદૂરથી ભારતે આતંકવાદ વિરૂદ્ધ અસહિષ્ણુતાની એક નવી લક્ષ્મણ રેખા બનાવી છે. જેને પાર કરવાનો પ્રયાસ ન કરવામાં જ ભલાઈ છે.
CDS જનરલ અનિલ ચૌહાણે પાકિસ્તાન વિરૂદ્ધ ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ભારતે (BHARAT) જે કર્યું છે, તે રાજકીય રૂપે કર્યું છે. તેણે આતંકવાદ વિરૂદ્ધ અસહિષ્ણુતાની એક નવી લક્ષ્મણ રેખા બનાવી છે. મને આશા છે કે, આ વિશેષ ઓપરેશન મૂળ રૂપે સૈન્ય ક્ષેત્રમાં છે. અમારા વિરોધીઓને બોધપાઠ આપનારુ રહ્યું છે. તેઓ હવે સમજી ગયા હશે કે, ભારતની સહનશીલતાની એક મર્યાદા છે. અમે દાયકાઓથી આતંકવાદનો સામનો કરી રહ્યા છીએ. અમે અમારા અનેક લોકોને ગુમાવ્યા છે. હવે અમે તેને ખતમ કરવા માંગીએ છીએ.
આ વિવાદને ઉકેલવો હવે આવશ્યક બન્યો
સેશનમાં પાકિસ્તાન જનરલ સાહિર શમશાદ મિર્ઝાએ બંને દેશોના સંઘર્ષમાં સમાધાન પર ભાર મૂકતાં કહ્યું કે, બંને દેશોએ મેનેજમેન્ટના બદલે સમાધાનકારી વલણ અપનાવવું જાેઈએ. સમાધાનની ગેરહાજરીમાં ચેતવણીઓ વિનાશને આમંત્રણ આપી શકે છે. ‘રિજનલ ક્રાઈસિસ મેનેજમેન્ટ મિકેનિઝમ્સ‘ શીર્ષક હેઠળના એેક સેશનમાં પેનલ ચર્ચામાં મિર્ઝાએ જણાવ્યું હતું કે, સમાધાન તરફ આગળ વધવાથી કાયમી શાંતિ અને સુનિશ્ચિત સંકટ મેનેજમેન્ટ સુનિશ્ચિત થઈ શકે છે.
મિર્ઝાએ આગળ કાશ્મીર મુદ્દાનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું કે, દક્ષિણ એશિયામાં સ્થાયી શાંતિ માટે યુએન સિક્યોરિટી કાઉન્સિલના પ્રસ્તાવો અને લોકોની આકાંક્ષાઓેને અનુરૂપ કાશ્મીર મુદ્દાનો ઝડપી ઉકેલ લાવવો આવશ્યક છે. ભારતીય નીતિઓને ધ્યાનમાં લેતાં ક્રાઈસિસ મેનેજમેન્ટ મિકેનિઝમની ગેરહાજરીમાં વૈશ્વિક શક્તિઓ પાસે આ મુદ્દે હસ્તક્ષેપ કરવા માટે પૂરતો સમય નથી.
શત્રુતા દૂર કરવા માટે પણ સમાધાન લાવી શકે તેમ નથી. તેઓ આ મુદ્દા પર થઈ રહેલા નુકસાન અને વિનાશથી બચાવવા માટે મોડા પડ્યા છે. પાકિસ્તાન અને ભારત વચ્ચે જે મૂળ છે તે કાશ્મીર છે. જ્યાં સુધી આ મુદ્દાનો સ્થાયી ઉકેલ નહીં આવે ત્યાં સુધી વિવાદ વધતો જ રહેશે. જ્યારે કોઈ સંકટ નથી હોતું ત્યારે કાશ્મીર મુદ્દો ક્યારેય ઉછળતો નથી. પરંતુ આ વિવાદને ઉકેલવો હવે આવશ્યક બન્યો છે.
જનરલે આગળ કહ્યું કે, સેના સંઘર્ષ બાદ યુદ્ધની સરહદો પર જોખમ ઘટ્યું છે. પરંતુ બંને દેશો માટે વિવાદિત ક્ષેત્રોમાં જ નહીં, પરંતુ સંપૂર્ણ ભારત અને પાકિસ્તાનમાં જોખમ વધ્યું છે. પશ્ચિમી દેશો દ્વારા ભારતને નેટ સિક્યુરિટી પ્રોવાઈડર તરીકે મજબૂત બનાવવો તેમજ પ્રાદેશિક આધિપત્ય બનવાની તેની મહત્વાકાંક્ષા તેને આ તંગદિલીને દૂર કરવાના વિકલ્પો અપનાવવા નિરૂત્સાહી કરી રહી છે.