Last Updated on by Sampurna Samachar
અમેરિકામાં ચૂંટણી સવાલો વચ્ચે લેવાયો નિર્ણય
વિદેશીઓને ચૂંટણી આપવા અટકાવવા કડક નિયમો બનશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મહત્ત્વપૂર્ણ કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા હતાં. જેમાં અમેરિકાની ચૂંટણી પ્રક્રિયામાં વ્યાપક ફેરફારોને અનિવાર્ય કરવામાં આવ્યા છે. આ પગલું એવા સમયે ઉઠાવવામાં આવ્યું છે, જ્યારે અમેરિકા (AMERICA) માં ચૂંટણી પ્રક્રિયા મુદ્દે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
આ આદેશ હેઠળ મતદારોએ રજિસ્ટ્રેશન માટે નાગરિકતાનું પ્રમાણ, જેમ કે, પાસપોર્ટ અનિવાર્યપણે રજૂ કરવો પડશે. તેમજ તમામ બેલેટ પેપર ચૂંટણીના દિવસ સુધી તમામને મળી રહે તેની ખાતરી કરવાની રહેશે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ આદેશનો ઉદ્દેશ ચૂંટણીમાં પારદર્શિતા અને નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવાનું છે.
મતદાન પ્રણાલીમાં બેલેટ્સ પેપરનો ઉપયોગ અનિવાર્ય
આ કાર્યકારી આદેશ હેઠળ બેલેટ્સ પેપર ચૂંટણીના દિવસે જ લોકોને મળી રહે તેની ખાતરી કરવાની રહેશે. ટ્રમ્પે આ મુદ્દે જણાવ્યું હતું કે, ઘણા રાજ્યો આ કાયદાનું પાલન કરતા નથી. ચૂંટણી બાદ પણ બેલેટ્સ પેપરનો સ્વીકાર કરે છે. જે ખોટું છે. તેમજ વિદેશી નાગરિકોને ચૂંટણીમાં મત આપતા અટકાવવા માટે કડક નિયમોનું પાલન કરવામાં આવશે. મતદાન પ્રણાલીમાં બેલેટ્સ પેપરનો ઉપયોગ અનિવાર્ય રહેશે, જેથી મતદારો પોતાના મતની ખાતરી કરી શકશે અને છેતરપિંડીથી બચી શકાશે.
આ વ્યાપક આદેશ બાદ ફેડરલ વોટર રજિસ્ટ્રેશન ફોર્મમાં સંશોધન કરવામાં આવ્યું છે. જેમાં મતદાન માટે હવે દેશના નાગરિક હોવાનું પ્રમાણ અનિવાર્ય રહેશે. તેમજ ચૂંટણીના દિવસ બાદ મળતાં મેઈલ-ઈન બેલેટ્સનો સ્વીકાર કરવામાં આવશે નહીં. તમામ રાજ્યોને આ આદેશનું પાલન કરવા ફરજ પાડવામાં આવશે.
પ્રમુખ ટ્રમ્પે લાંબા સમયથી ચૂંટણીની અનિયમિતતાઓ અને છેતરપિંડી અંગે ચિંતા વ્યક્ત કરી છે, ખાસ કરીને મેઇલ-ઇન વોટિંગના સંદર્ભમાં. જોકે, આ દાવાઓને સમર્થન આપતા નક્કર પુરાવા મળ્યા નથી. આ ઓર્ડર રિપબ્લિકન સમર્થિત સેફગાર્ડ અમેરિકન વોટર એલિજિબિલિટી (સેવ) એક્ટના ધ્યેયો સાથે સુસંગત છે, જે મતદારની યોગ્યતાની કડક ચકાસણીની હિમાયત કરે છે.
આ એક્ઝિક્યુટિવ ઓર્ડરને કાનૂની પડકારોનો સામનો કરવો પડી શકે છે. ચૂંટણીના નિયમો નક્કી કરવાની સત્તા મુખ્યત્વે કોંગ્રેસ અને રાજ્યો પાસે છે, રાષ્ટ્રપ્રમુખ પાસે નહીં. ડેમોક્રેટ્સ અને સિવિલ સોસાયટીના સભ્યોએ આદેશને ગેરકાયદેસર ગણાવ્યો છે અને તેને કોર્ટમાં પડકારવાની યોજના બનાવી રહ્યા છે.