Last Updated on by Sampurna Samachar
અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાતચીત કરી
અત્યાર સુધીમાં ૧૧ લોકોના જીવ ગયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાય દિવસથી સતત વરસી રહેલા મુશળધાર વરસાદે ભારે વિનાશ વેર્યો છે. ખાસ કરીને પૂંછ અને રાજૌરી જિલ્લામાં સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પૂર જેવી સ્થિતિ, ભૂસ્ખલન અને મકાનો પડી જવાની ઘટનાઓમાં અત્યાર સુધીમાં ૧૧ લોકોના જીવ ગયા છે, જ્યારે ૬ લોકો હજુ લાપતા છે.

વાત કરીએ તો સેંકડો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે અને હજુ પણ બચાવ કામગીરી ચાલુ છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કર્યા પછી વહીવટી તંત્રેએ સાવધાનીના ભાગરૂપે અમરનાથ યાત્રા, માતા વૈષ્ણો દેવી યાત્રા અને શિવખોરી યાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે.
જમ્મુ-કાશ્મીર સરકારે હાઈ એલર્ટ જાહેર કર્યું
પુંછ અને રાજૌરીમાં વરસાદે જે તબાહી મચાવી છે તેનું વર્ણન કરવું મુશ્કેલ છે. રાજૌરીના બેલા કોલોની વિસ્તારમાં અચાનક વાદળ ફાટવાથી અને પૂર આવવાથી ગાડીઓ પાણીમાં તણાઈ ગઈ છે. મકાનો અને ખેતીની જમીનને ભારે નુકસાન થયું છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, “જો વરસાદ આ જ રીતે ચાલુ રહ્યો તો વધુ મોટી આફત આવશે.” અધિકારીઓએ તાત્કાલિક બચાવ ટીમો તૈનાત કરી છે. એનડીઆરએફ, પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રની ટીમો ફસાયેલા લોકો સુધી પહોંચવા અને રાહત સામગ્રી પહોંચાડવામાં લાગી ગઈ છે.
હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે, તેથી સરકારે સાવધાનીના ભાગરૂપે મોટો ર્નિણય લીધો છે. અમરનાથ યાત્રા, માતા વૈષ્ણો દેવી યાત્રા અને શિવખોરી યાત્રા અસ્થાયી રૂપે સ્થગિત કરી દેવામાં આવી છે. હજારો યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે. આ ઉપરાંત નદીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે.
જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે હજુ પણ ટ્રાફિક માટે ખુલ્લો છે. બાંદીપોરા-ગુરેઝ, કુપવાડા-કરનાહ અને મુગલ રોડ પણ ખુલ્લા છે. પરંતુ ખરાબ હવામાનને કારણે સોનમર્ગ-લેહ રોડને બંધ કરી દેવામાં આવ્યો છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે અનંતનાગ, પહલગામ, કુલગામ, શોપિયાં, ગુલમર્ગ, સોનમર્ગ-ઝોજિલા જેવા વિસ્તારોમાં ભૂસ્ખલન, કાદવ ધસી પડવો અને અચાનક પૂર આવવાનું જાેખમ છે. નદીઓમાં પાણીનું સ્તર વધી રહ્યું છે, તેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે.
આ તબાહી વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉપરાજ્યપાલ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા સાથે ફોન પર વાત કરીને સ્થિતિની સમીક્ષા કરી. અમિત શાહે અસરગ્રસ્ત લોકોની સુરક્ષા અને રાહત કાર્યો માટે કેન્દ્ર સરકાર તરફથી દરેક શક્ય મદદનું આશ્વાસન આપ્યું છે. જમ્મુ-કાશ્મીર સરકારે હાઈ એલર્ટ જાહેર કર્યું છે અને યુદ્ધસ્તરે કામગીરી ચાલુ છે.