Last Updated on by Sampurna Samachar
છુટાછેડા બાદ પત્નીને સારી રીતે જીવન જીવવાનો અધિકાર છે
દર બે વર્ષે પાંચ ટકાનો તેમાં વધારો કરવા આદેશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
છૂટાછેડાના કેસમાં મહિલાઓના ભરણપોષણને લઇને સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે પતિને આદેશ આપ્યો હતો કે તે પત્નીને દર મહિને ૫૦, ૦૦૦ રૂપિયાનું ભરણપોષણ આપશે, એટલુ જ નહીં આ ભરણપોષણમાં દર બે વર્ષે પાંચ ટકાનો વધારો પણ કરવો પડશે. પતિના બીજા લગ્ન બાદ પ્રથમ પત્નીના પુત્રને પિતાની સંપત્તિમાં અધિકાર હોવાની સ્પષ્ટતા પણ સુપ્રીમે કરી હતી.
અગાઉ આ જ મામલામાં કલકત્તા હાઇકોર્ટ દ્વારા ભરણપોષણની રકમ પ્રતિ માસ ૨૦, ૦૦૦ રૂપિયા નક્કી કરી હતી, જોકે તેનાથી પત્નીને સંતોષ નહોતો થયો અને તેણે હાઇકોર્ટના ર્નિણયને લઇને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.
છૂટાછેડાનો આ મામલો ૧૭ વર્ષથી ચાલી રહ્યો હતો
સુપ્રીમ કોર્ટે (SUPREME COURT) કાયમી ભરણપોષણની રકમ પ્રતિ માસ ૫૦, ૦૦૦ રૂપિયા કરી આપી હતી. સાથે જ કહ્યું હતું કે આ કેસમાં પત્ની છૂટાછેડા બાદ અપરણિત અને સ્વતંત્ર રહે છે. તે લગ્ન દરમિયાન જે પ્રકારનું જીવન જીવી રહી હતી તે જ પ્રકારનું જીવન છૂટાછેડા બાદ પણ તેને જીવવાનો અધિકાર છે. પતિની આવકમાં સમય સાથે વધારો થયો છે, છૂટાછેડાનો આ મામલો ૧૭ વર્ષથી ચાલી રહ્યો હતો.
૧૯૯૭ માં બંન્નેએ હિન્દુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા, ૧૯૯૮માં બન્ને વચ્ચે એક પુત્રનો જન્મ થયો હતો, ૧૦ વર્ષ બાદ એટલે કે વર્ષ ૨૦૦૮ માં પતિ દ્વારા છૂટાછેડાની અરજી કરવામાં આવી, પત્નીએ પણ ભરણપોષણ માટે અલગથી કેસ દાખલ કર્યો. વર્ષ ૨૦૧૦માં સ્થાનિક કોર્ટે પત્નીને મહિને ૮૦૦૦ રૂપિયાનું ભરણપોષણ આપવા પતિને આદેશ કર્યો, બાદમાં ૨૦૧૪માં પત્નીને આઠ હજારની સાથે પુત્રને ૬૦૦૦ રૂપિયાનું ભરણપોષણ આપવા કહ્યું.
સ્થાનિક કોર્ટના આદેશની અસંતુષ્ટ પત્નીએ હાઇકોર્ટમાં અપીલ કરી, કલકત્તા હાઇકોર્ટે ૨૦૧૫માં ભરણપોષણની રકમ વધારીને ૧૫ હજાર કરી આપી. બાદમાં ૨૦૧૬ માં પતિ દ્વારા દાખલ છૂટાછેડાની અરજી રદ કરી દીધી સાથે જ ભરણપોષણ વધારીને ૨૦ હજાર કર્યું, ૨૦૧૯માં હાઇકોર્ટે છૂટાછેડાને મંજૂરી આપી, પત્નીએ સુપ્રીમમાં અપીલ કરી હતી, સુપ્રીમે વચગાળાના આદેશમાં ૭૫૦૦૦નું ભરણપોષણ નક્કી કર્યું હતું જ્યારે અંતિમ આદેશમાં તેને ૫૦, ૦૦૦ કરી નાખ્યુ સાથે જ દર બે વર્ષે પાંચ ટકાનો તેમાં વધારો કરવા આદેશ આપ્યો હતો.
પત્નીએ એવી દલીલ કરી હતી કે જ્યારે ૨૦ હજાર રૂપિયા ભરણપોષણ હતું ત્યારે પતિની આવક ઓછી હતી, હવે પતિની આવક મહિને ચાર લાખ રૂપિયા છે. પુત્ર મારી સાથે રહે છે જેની દેખરેખ મારે રાખવાની હોય છે. સુપ્રીમ કોર્ટે દલીલોને માન્ય રાખી હતી અને આ આદેશ આપ્યો હતો. સુપ્રીમે પત્ની એકલી રહે છે તે ઉપરાંત મોંઘવારી અને પતિની વધી રહેલી આવકને ધ્યાનમાં રાખીને આ આદેશ આપ્યો હતો. જેમાં એવી સ્પષ્ટતા કરાઇ હતી કે એકલી રહેતી પત્નીનું ભવિષ્ય સુરક્ષિત રહે તે માટે આ આદેશ અપાયો છે.